BCCIમાં વધુ એક નિયુક્તિ; સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ નવા લોકપાલ બન્યા
મુંબઈ: બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)માં છેલ્લા ઘણા સમયથી મોટા ફરફારો કરવામાં આવી રહ્યા છે. એવામાં BCCIને નવા લોકપાલ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રાને BCCIના લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં (Justice Arun Mishra BCCI ombudsman) આવ્યા છે. ઉપરાંત, તેઓ એક એથીક્સ ઓફિસર તરીકે પણ ફરજ બજાવશે.
નવા સેક્રેટરી અને ટ્રેઝરર:
BCCI માં કેટલાક અન્ય પદો પર પણ નવી નિમણૂકો કરવામાં આવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ICC ચેરમેન બન્યા બાદ જય શાહે BCCI સેક્રેટરી પદ પરથી રાજીનામું આપ્યું હતું. બોર્ડે ગયા રવિવારે ખાસ બેઠક બોલાવી હતી. આ જ બેઠકમાં, દેવજીત સૈકિયાને નવા સેક્રેટરી અને પ્રભતેજ સિંહ ભાટિયાને નવા ટ્રેઝરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
જસ્ટિસ અરુણ મિશ્રાની કારકિર્દી:
જસ્ટિસ અરુણ મિશ્રાનો જન્મ 3 સપ્ટેમ્બર 1955ના રોજ ગ્વાલિયરના એક વકીલ પરિવારમાં થયો હતો. અરુણ મિશ્રા 1989 અને 1995માં રેકોર્ડ મતો સાથે મધ્યપ્રદેશ બાર કાઉન્સિલમાં ચૂંટાયા હતા. 1998માં, તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના અધ્યક્ષ બન્યા. તેઓ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં જજ પણ રહી ચૂક્યા છે.
વર્ષ 2010 માં, તેઓ રાજસ્થાન હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા અને કલકત્તા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે, તેઓ લગભગ 97,000 કેસોમાં ચુકાદાઓનો ભાગ રહ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રાએ 7 જુલાઈ 2014 થી 2 સપ્ટેમ્બર 2020 સુધી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપી, ત્યારબાદ 2 જૂન 2021 ના રોજ તેમને નેશનલ હ્યુમન રાઈટ્સ કાઉન્સીલ (NHRC) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, તેઓ 1 જૂન, 2024 સુધી આ પદ પર રહ્યા.
Also read: પાકિસ્તાન બદલાવા તૈયાર નથી તો ભારત શું કરવા બદલાય?
BCCIએ બેટિંગ કોચની નિયુક્તિ:
ભારતીય ક્રિકેટ ટીમને એક નવો બેટિંગ કોચ પણ મળ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ, BCCI એ એક સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં ગૌતમ ગંભીરે બેટિંગ કોચની માંગણી કરી હતી. બોર્ડે આ માંગણી સ્વીકારી લીધી છે અને સીતાશુ કોટકને ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.