સ્પોર્ટસ

મિલિંદ રેગેનું નિધનઃ 1988માં સચિનને મુંબઈની રણજી ટીમમાં સિલેક્ટ કરનાર કમિટીના તેઓ મેમ્બર હતા

ભૂતપૂર્વ કૅપ્ટન અને ચીફ સિલેક્ટરનું હાર્ટ અટૅકને કારણે અવસાન થયુંઃ સચિન-શાસ્ત્રીએ આપી અંજલિ

મુંબઈઃ મુંબઈ ક્રિકેટની સૌથી જાણીતી હસ્તીઓમાંના એક અને મુંબઈની ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મિલિંદ રેગેનું આજે હાર્ટ અટૅકને કારણે અવસાન થયું હતું. હજી રવિવારે તેમણે જીવનના 76 વર્ષ પૂરા કર્યા હતા. રેગે 1988માં સચિન તેન્ડુલકરને પહેલી વાર મુંબઈની રણજી ટીમમાં સિલેક્ટ કરનાર પસંદગીકાર સમિતિના મેમ્બર હતા.

રેગેને છાતીમાં દુખાવો થતાં બ્રિચ કૅન્ડી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વહેલી સવારે છ વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રોનો સમાવેશ છે.

ઑલરાઉન્ડર મિલિંદ રેગે 26 વર્ષના હતા ત્યારે તેમને હાર્ટ અટૅક આવ્યો હતો. જોકે તબિયત પૂર્ણપણે સારી થઈ ગયા પછી તેઓ ફરી ક્રિકેટ તરફ વળ્યા હતા અને પર્ફોર્મન્સ સુધાર્યો હતો જેને પગલે તેમને રણજી ટ્રોફીમાં મુંબઈની કૅપ્ટન્સી મળી હતી.
મિલિંદ દત્તાત્રેય રેગેનો જન્મ 1949ની 16મી ફેબ્રુઆરીએ મુંબઈમાં થયો હતો. તેઓ રાઇટ-હૅન્ડ બૅટર અને રાઇટ-આર્મ ઑફ સ્પિનર હતા. 1966થી 1978 સુધીમાં તેઓ બાવન ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા જેમાં તેમણે 126 વિકેટ લીધી હતી અને 1,532 રન બનાવ્યા હતા. છેલ્લે તેઓ જાન્યુઆરી, 1978માં વાનખેડેમાં બૉમ્બેની ટીમ વતી રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે રમ્યા હતા. તેઓ મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ) સાથે ઘણા વર્ષો સુધી સંકળાયેલા હતા અને એ દરમ્યાન તેઓ સિલેક્ટર, ચીફ સિલેક્ટર તેમ જ એમસીએના સલાહકાર બન્યા હતા.

આ પણ વાંચો : ગૌતમ ગંભીરનું ધ્યાન ચેમ્પિયન ટ્રોફી પર નથી! જાણો ક્રિકેટ ચાહકો કેમ નારાજ થયા

1988માં નવયુવાન સચિન તેન્ડુલકરને મુંબઈની રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યારે મુંબઈની સિલેક્શન કમિટીના એક મેમ્બર હતા મિલિંદ રેગે જેમણે મુંબઈ ક્રિકેટના વિકાસમાં મોટું યોગદાન આપ્યું હતું. મિલિંદ રેગે અને સુનીલ ગાવસકર વચ્ચે બાળપણથી દોસ્તી હતી. તેઓ જ એકસરખી સ્કૂલ અને કૉલેજમાં ભણ્યા હતા અને દાદર યુનિયન સ્પોર્ટિંગ ક્લબ વતી રમ્યા હતા.

2006માં ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈએ વિડિયો ઍનલિસ્ટનો ઉપયોગ કરવો જોઈએ એવા અભિગમને ટેકો આપનારાઓમાં મિલિંદ રેગે પણ સામેલ હતા.

સચિન તેન્ડુલકરે મિલિંદ રેગેને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેઓ મુંબઈ ક્રિકેટમાં દિલોજાનથી યોગદાન આપનારા ખેલાડી અને વહીવટકાર હતા. 1988માં તેમણે તેમ જ ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ)ના અન્ય સભ્યોએ મારામાં સારા ક્રિકેટર બનવાની કાબેલિયત પારખી હતી અને મને સીસીઆઇ વતી રમવા કહ્યું હતું. હું એ ક્ષણો યાદ કરું છું તો ગર્વ અનુભવું છું અને એ સમયકાળને મારી કરીઅરના સીમાચિહન તરીકે યાદ કરું છું. તેઓ હવે આપણી વચ્ચે નથી, પણ તેમના યોગદાન અને માર્ગદર્શન હરહંમેશ જીવંત રહેશે. મારા સહિત અનેકની કારકિર્દી માટે તેમનું યોગદાન અસરદાર હતું. થૅન્ક્ યુ, સર ફૉર એવરીથિંગ.' રવિ શાસ્ત્રીએ મિલિંદ રેગેને અસાધારણ મેન્ટર તરીકે ઓળખાવ્યા હતા. ખુદ મિલિંદ રેગેએ થોડા વર્ષો પહેલાં એક જાણીતી વેબસાઇટને મુલાકાતમાં એ સમયે રમાયેલી મુંબઈની 500મી રણજી મૅચના અવસરે જણાવ્યું હતું કેમને મુંબઈની ટીમ માટે સિલેક્ટ કરનારાઓમાં વિજય મર્ચન્ટ, માધવ મંત્રી, પૉલી ઉમરીગર તથા મનોહર હાર્ડિકરનો સમાવેશ હતો. તેઓ માત્ર સિલેક્ટર નહોતા. તેઓ મુંબઈ ક્રિકેટની મોટી હસ્તી પણ હતા.’

એમસીએના પ્રમુખ અજિંક્ય નાઇકે મિલિંદ રેગેને અંજલિ આપતા જણાવ્યું હતું કે `મિલિંદ રેગે સરના નિધન વિશે જાણીને ખૂબ દુઃખ થયું. તેમના માર્ગદર્શને અનેક પેઢીઓના ક્રિકેટરોની કરીઅરને નવો ઓપ આપ્યો હતો. મુંબઈ ક્રિકેટને વારસામાં મળેલા તેમના બહુમૂલ્ય યોગદાનો હંમેશાં મદદરૂપ બનશે.’

સંબંધિત લેખો

Back to top button