બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે અને બે ભારત વિરુદ્ધ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલરનું અવસાન

સિડનીઃ 1959ની સાલમાં ઑસ્ટ્રેલિયા વતી ચાર ટેસ્ટ રમનાર એ સમયના ફાસ્ટેસ્ટ ઑસ્ટ્રેલિયન બોલર ગોર્ડન રૉરકેનું અવસાન થયું છે. તેમણે 27મી જૂને જિંદગીના 86 વર્ષ પૂરા કરીને 87મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ચારમાંથી પહેલી બે ટેસ્ટ (Test) ઇંગ્લૅન્ડ સામે અને બાકીની બે ટેસ્ટ ભારત સામે રમ્યા હતા.
ગોર્ડને (Gordon RORKE) ચાર ટેસ્ટના સાત દાવમાં 10 વિકેટ લીધી હતી. તેમને ભારત સામેની બે ટેસ્ટમાં બે વિકેટ મળી હતી. ત્યારે તેમણે અબ્બાસ અલી બેગ અને બાપુ નાડકર્ણીને આઉટ કર્યા હતા.
ગોર્ડને ઇંગ્લૅન્ડ સામેની બે ટેસ્ટમાં કૉલિન કાઉડ્રી, ટૉમ ગ્રેવેની અને વિલી વૉટસનની તેમ જ કૅપ્ટન પીટર મે અને ટૉની લૉકની વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: પેસ બોલર યશ દયાલની કરીઅર જેલમાં જ ખતમ થઈ શકે, ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે આપ્યા આ પુરાવા
ગોર્ડન ભારત સામે જે બે ટેસ્ટ રમ્યા હતા એ કાનપુર અને દિલ્હીમાં રમાઈ હતી અને જી. એસ. રામચંદ ભારતના અને રિચી બેનૉ ઑસ્ટ્રેલિયાના સુકાની હતા.
તેમની ટેસ્ટ-કરીઅર વહેલી સમેટાઈ જવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે તેઓ બૉલ ફેંકતા ત્યારે પાછળનો પગ એવી રીતે ઘસડતા કે એમાં તેમનો જમણો પગ બોલિંગ ક્રીઝથી ઘણો ઉપર રહેતો હતો અને તેમની એ બોલિંગ-સ્ટાઇલને પગલે જ ક્રિકેટના કાયદા ઘડનારાઓએ નો-બૉલને લગતા કાયદાની સમીક્ષા કરવી પડી હતી.
1959માં ભારતના પ્રવાસથી લઈને તેમને પછીથી જે બીમારી લંબાઈ એને કારણે તેમની કરીઅર પચીસમા વર્ષે જ પૂરી થઈ ગઈ હતી.