માઇકલ વૉન દિગ્ગજ બ્રિટિશ બૅટરથી ખફા, તેને કહ્યું ‘બૅઝબૉલ ભૂલી જા અને નૅચરલ ગેમ જ રમ’
રાજકોટ: એક સમય હતો જ્યારે વર્તમાન ટેસ્ટ યુગની ટેસ્ટ બૅટિંગના ત્રણ દિગ્ગજ એકમેકથી ચડિયાતા પુરવાર થવા તીવ્ર હરીફાઈમાં ઉતર્યા હતા. આપણો વિરાટ કોહલી એમાંનો એક હતો. બીજો હતો ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ અને ત્રીજો ઇંગ્લૅન્ડનો જો રૂટ.
જોકે કોહલી હજી પણ અઢળક રન કરી રહ્યો છે, જ્યારે બૉલ ટૅમ્પરિંગ કાંડ પછી સ્ટીવ સ્મિથની કરીઅર ખોરવાઈ ગઈ છે અને રૂટ પણ દિશાહીન થઈ ગયો છે. સ્મિથ અને રૂટના બૅટમાંથી અગાઉની જેમ ઢગલાબંધ રન નીકળતા જ નથી.
અહીં આપણે માત્ર રૂટની વાત કરવી છે, કારણકે ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન તેનાથી ખૂબ ખફા છે. બ્રિટિશ ખેલાડીઓ ‘બૅઝબૉલ’ અપ્રોચથી (કોચ બ્રેન્ડન મૅક્લમના માર્ગદર્શન હેઠળ આક્રમક સ્ટાઇલમાં) રમવાના મનસૂબા સાથે ભારત આવ્યા છે. એમાં તેઓ પહેલી ટેસ્ટમાં તો ફાવ્યા હતા, પણ બીજી ટેસ્ટમાં તેમની અસલિયત સામે આવી ગઈ હતી. જસપ્રીત બુમરાહે ઇંગ્લિશમેનને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા. બધા બ્રિટિશ બૅટર્સની વાત તો અહીં નથી કરવી, પણ રૂટ આપણું નિશાન છે. બે ટેસ્ટના ચાર દાવમાં તે ફક્ત 29, 2, 5 અને 16 રન બનાવી શક્યો છે.
ભારતની સ્પિન-ફ્રેન્ડ્લી પિચને અનુકૂળ થઈને રમવા બેન સ્ટૉક્સ અને તેના બીજા બૅટર્સ વારંવાર રીવર્સ સ્વીપનો સહારો લેવા લાગ્યા છે. જો રૂટે ચાર દાવમાંથી એક વખત રવીન્દ્ર જાડેજાના બૉલમાં અને એક વખતે આર. અશ્ર્વિનના બૉલમાં વિકેટ ગુમાવી છે. બે વાર તે જસપ્રીત બુમરાહનો શિકાર થયો છે. સોમવારે બીજા દાવમાં તે 16 રનના તેના સ્કોર પર પૂરો સેટ થઈ ચૂક્યો હતો, પણ અશ્ર્વિનના એક બૉલમાં તે (કદાચ) હાથની આંગળીના ફ્રૅક્ચરથી ત્રાસીને અગ્રેસિવ મૂડમાં શૉટ મારવા ગયો અને બૅકવર્ડ પૉઇન્ટ પર અક્ષર પટેલના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો. બીજી ટેસ્ટ પહેલાં રૂટ નેટમાં લેફ્ટ-હૅન્ડ બૅટિંગ કરતો જોવા મળ્યો હતો.
માઇકલ વૉને બ્રિટનના ‘ટેલિગ્રાફ’માં લખ્યું છે, ‘જો રૂટે બૅઝબૉલ અપ્રોચથી રમવાનો મોહ છોડીને નૅચરલ સ્ટાઇલથી જ રમવું જોઈએ. તે ઇંગ્લૅન્ડના બૅટિંગ લેજન્ડમાંનો એક છે. તેણે બૅઝબૉલની ટેક્નિક ભૂલીને નૅચરલ ગેમ રમવા પર જ એકાગ્રતા રાખવી જોઈએ. બીજા બૅટર્સ ભલે બૅઝબૉલની સ્ટાઇલથી રમે, પણ રૂટે એ રીતે રમવાનું ટાળવું જોઈએ. રૂટે નૅચરલ સ્ટાઇલથી રમીને 10,000થી પણ વધુ રન બનાવ્યા છે એટલે તેને બૅઝબૉલની સ્ટાઇલની કોઈ જ જરૂર નથી. ટીમ મૅનેજમેન્ટમાં કોઈએ રૂટના ખભા પર હાથ મૂકીને તેને સમજાવવો જોઈએ કે ભાઇ, તારી પોતાની અસલ સ્ટાઇલથી જ બૅટિંગ કર. સ્પિનરો સામે રૂટ જેવું ઉત્કૃષ્ટ બીજું કોઈ નથી રમી શકતું. સ્પિન બોલિંગનો સામનો કરવાની બાબતમાં રૂટની ગણના ગ્રેહામ ગૂચ સાથે થાય છે. રૂટ જેવા ઉચ્ચ કક્ષાના બૅટરે વિશાખાપટ્ટનમની બીજી ટેસ્ટના બીજા દાવમાં અશ્ર્વિનને જે રીતે વિકેટની ભેટ આપી દીધી એ જોઈને મને આઘાત લાગ્યો. તમે આ રીતે વિકેટ ગિફ્ટમાં આપી દો તો ભારત સામે કેવી રીતે જીતી શકો.’
કૅપ્ટન બેન સ્ટૉક્સ અને કોચ બ્રેન્ડન મૅક્લમ ભેગા મળીને ટેસ્ટ-ક્રિકેટમાં સારી સફળતાઓ ઇંગ્લૅન્ડને અપાવી રહ્યા હોવાનો દાવો આડકતરી રીતે કરી રહ્યા છે, પરંતુ માઇકલ વૉન બૅઝબૉલ સ્ટાઇની બૅટિંગની વિરુદ્ધમાં છે. વૉન કહે છે, ‘ગઈ ઍશિઝમાં ઑસ્ટ્રેલિયા સામે ઇંગ્લૅન્ડને સિરીઝ જીતવાની સારી તક હતી, પણ નહોતા જીતી શક્યા અને હવે એ જ ભૂલ ભારતમાં કરી રહ્યા છે. વિરાટ કોહલી જેવા મોટા નામવાળા ખેલાડીઓ સિરીઝમાં હજી નથી તો એનો ઇંગ્લિશ ટીમે ફાયદો ઉઠાવવો જોઈએ. ખાસ કરીને ઇંગ્લૅન્ડે બૅટિંગ સુધારવાની ખાસ જરૂર છે.’
ત્રીજી ટેસ્ટ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાવાની છે.