મેદાન પરના ઝઘડામાં ફૂટબોલરે હરીફ ખેલાડીને લાફો મારી દીધો!
નૉટિંગહૅમ: રવિવારે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં ભારે રસાકસી વચ્ચે ચેલ્સી અને નૉટિંગહૅમ ફૉરેસ્ટ વચ્ચેની મૅચ 1-1થી ડ્રૉ રહી હતી, પરંતુ મુકાબલાની છેલ્લી ક્ષણોમાં જે બન્યું એવું રમતના મેદાન પર ભાગ્યે જ બનતું હોય છે.
આ મૅચમાં 66 ટકા સમય દરમ્યાન બૉલ ચેલ્સીના ખેલાડીઓના કબજામાં રહ્યો હતો અને આ ટીમ ડ્રૉના પરિણામ સાથે 14 પૉઇન્ટ સાથે ચોથા સ્થાને રહી હતી, જ્યારે ફૉરેસ્ટ 10મા સ્થાને હતી. મુદ્દાની વાત એ છે કે ચેલ્સીના 81મી મિનિટમાં ક્રિસ્ટોફર ઍન્કુન્કુના સ્થાને સબસ્ટિટ્યૂટ તરીકે રમવા બોલાવવામાં આવેલા નિકોલસ જૅક્સને એક તકરાર દરમ્યાન (વીડિયો ફૂટેજમાં બતાવાયા મુજબ) ફૉરેસ્ટના મૉરાટાને તમાચો મારી દીધો હતો. ગરમાગરમી વધી જતાં જૅક્સનને સાથી ખેલાડીઓ ખેંચીને દૂર લઈ ગયા હતા અને ત્યાર બાદ બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે દલીલબાજી ચાલુ જ રહી હતી.
88મી મિનિટમાં જ્યારે ફૉરેસ્ટના એક ખેલાડીને કારણે ચેલ્સીનો પ્લેયર નીચે પટકાયો ત્યારથી બન્ને ટીમ વચ્ચેનો ઝઘડો શરૂ થયો હતો. થોડી જ વારમાં બેઉ ટીમના સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ, કોચ, બૅક-રૂમ સ્ટાફ તેમ જ બાકીના તમામ સબસ્ટિટ્યૂટો મેદાન પર આવી ગયા હતા અને તકરાર વધી ગઈ હતી.
રેફરીએ કેટલાક ખેલાડીઓને યલો કાર્ડ બતાવ્યા હતા.
ચેલ્સીની હવે પછીની મૅચ લિવરપુલ સામે છે.