ફૂટબોલર્સ મૅચ હાર્યા એટલે તોફાની ચાહકોએ કરી તોડફોડ, ચારની ધરપકડ | મુંબઈ સમાચાર

ફૂટબોલર્સ મૅચ હાર્યા એટલે તોફાની ચાહકોએ કરી તોડફોડ, ચારની ધરપકડ

સેવિલઃ કોઈ પણ રમતમાં, ખાસ કરીને ટીમ-ગેમમાં જો પરાજય થયો હોય તો તોફાની રમતપ્રેમીઓનો એક વર્ગ પરાજિત ખેલાડીઓ પર હુમલો કરીને કે તેઓ જે સ્થળે હોય ત્યાં તોડફોડ કરીને આક્રોશ ઠાલવતા હોય છે.

ક્રિકેટમાં આવું ઘણી વાર બન્યું છે, ખાસ કરીને ભારતમાં આવા કેટલાક કિસ્સા બની ચૂક્યા છે અને ફૂટબૉલ (Football)ની રમત તો આવા તોફાનો માટે પંકાયેલી છે.

આપણ વાંચો: નવેલના ડાન્સ બારમાં મનસેએ કરી તોડફોડ: આઠ વિરુદ્ધ ગુનો

ખુદ ખેલાડીઓ જ જ્યારે મેદાન પર હરીફ પ્લેયરને લાત મારતા હોય તો ફૅન્સના વાંક ક્યાં કાઢવા. બન્યું એવું કે સ્પેનના શહેર સેવિલ (Seville)માં 10મી મેએ સેવિલ ફૂટબૉલ ક્લબની ટીમના પ્લેયર્સ જ્યાં પ્રૅક્ટિસ કરી રહ્યા હતા ત્યાં કેટલાક તોફાનીઓએ હુમલો કર્યો હતો. આ ઘટના સંબંધમાં ચાર તોફાનીઓની ધરપકડ (arrest) કરવામાં આવી છે.

સેવિલની ટીમ સેલ્ટા વિગો સામે 2-3થી પરાજિત થઈ ત્યાર બાદ સેવિલ તરફી કેટલાક લોકો પ્રૅક્ટિસ તથા ટ્રેઇનિંગ માટેના સ્થળે ગયા હતા અને ત્યાંની માળખાકીય સગવડો તોડી-ફોડી નાખી હતી.

આપણ વાંચો: એક તો ટિકિટ વિના પ્રવાસ ને પછી ટીસી ઓફિસમાં તોડફોડઃ જૂઓ ચોંકાવનારો વીડિયો

એ દિવસે સેવિલના ખેલાડીઓની બસ ઘટનાસ્થળે આવી કે તરત તોફાનીઓ તેમના પ્રૅક્ટિસ સેન્ટર પર ધસી ગયા હતા અને લોખંડનો ગેટ તોડી નાખ્યો હતો તેમ જ સેન્ટરની અંદરની પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

જે લોકોએ હુમલો કર્યો હતો તેઓ બુકાની બાંધીને મોં ઢાંકીને આવ્યા હતા. તેઓ હુમલો કર્યા પછી નાસી ગયા હતા. જોકે પોલીસને તપાસ શરૂ કર્યા બાદ હવે તેમાંના ચાર જણની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

સેવિલ ક્લબના આયોજકોએ આ ઘટનાને ફૂટબૉલપ્રેમીઓની ગુંડાગીરી તરીકે ઓળખાવી હતી. પોલીસની તપાસ હજી ચાલુ જ છે. પકડાયેલા લોકો કોણ છે અને તેમની સામે શું આરોપ મુકાશે તેમ જ અદાલતમાં તેમને ક્યારે લાવવામાં આવશે એની જાણકારી નહોતી મળી શકી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button