હૅટ-ટ્રિક સહિત પાંચ બૉલમાં પાંચ વિકેટ… આ બોલરે રચ્યો ઈતિહાસ!

ડબ્લિન: પ્રોફેશનલ ક્રિકેટમાં આયર્લેન્ડના પેસ બોલિંગ ઑલરાઉન્ડર કર્ટિસ કૅમ્ફરે નવો ઇતિહાસ રચ્યો છે. લાગલગાટ પાંચ બૉલમાં પાંચ વિકેટ લેનાર તે વિશ્વનો પહેલો બોલર બન્યો છે.
ગુરુવારે અહીં ઇન્ટર પ્રોવિન્શીયલ ટી-20 ટ્રોફી નામની ટૂર્નામેન્ટમાં મનસ્ટર રેડ્સ નામની ટીમ વતી કૅમ્ફરે (Curtis Campher) નોર્થ-વેસ્ટ વૉરિયર્સ ટીમ સામે આ સિદ્ધિ મેળવી હતી. તેની બોલિંગ ઍનેલિસિસ 2.3-0-16-5 હતી.
કેપ્ટન કૅમ્ફરે પોતાની એક ઓવરના છેલ્લા બે બૉલમાં બે વિકેટ લીધી હતી. ત્યાર પછી ફરી તે નવી ઓવર માટે આવ્યો ત્યારે તેણે પહેલા ત્રણ બૉલમાં ત્રણ વિકેટ લઈને ધમાલ મચાવી દીધી હતી. એ નવી ઓવરના પહેલા બૉલમાં તેણે જે વિકેટ લીધી એ સાથે તેની હૅટ-ટ્રિક પૂરી થઈ હતી. જોકે તેનું આક્રમણ ત્યાં જ નહોતું અટકયું. હૅટ-ટ્રિક (Hat-Trick) લીધા પછી તેણે બીજા બે બૉલમાં પણ બે વિકેટ લીધી હતી. એ બે વિકેટ હરીફ ટીમની ઇનિંગ્સની છેલ્લી બે (9 અને 10મી) વિકેટ હતી.
મનસ્ટર રેડ્સે (Munster Reds) સાત વિકેટે 188 રન કર્યા હતા જેમાં કૅમ્ફરના 44 રન હાઈએસ્ટ હતા. નોર્થ વેસ્ટની ટીમ માત્ર 88 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં પાંચ બૅટ્સમેનના ઝીરો હતા.
સ્વાભાવિક છે કે કૅમ્ફરને જ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.
26 વર્ષનો કૅમ્ફર આયર્લેન્ડ વતી 110 મૅચ રમ્યો છે જેમાં તેણે 2,000 જેટલા રન કર્યા છે અને 70 વિકેટ લીધી. તે ઘણા દેશોની લીગ ટૂર્નામેન્ટમાં રમ્યો છે, પરંતુ આઈપીએલમાં હજી તેને રમવાનો મોકો નથી મળ્યો.
મહિલા ક્રિકેટમાં એક બોલર પાંચ બૉલમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી ચૂકી છે. ઝિમ્બાબ્વેની કેલિસ ઍનધલોવુએ ગયા વર્ષે એક ડૉમેસ્ટિક ટી-20 મૅચમાં પાંચ બૉલમાં પાંચ વિકેટ લીધી હતી.
આ પણ વાંચો…શુભમન ગિલને ઘણા વર્લ્ડ રેકૉર્ડ અને કેટલાક મોટા વિક્રમો તોડવાની તક