ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટમાં ભારતના પાંચ ખેલાડીને રેકૉર્ડ કરવાની તક
છઠ્ઠા પ્લેયર યશસ્વીને વિશ્વવિક્રમનો મોકો

લીડ્સઃ અહીં શુક્રવાર, 20મી જૂને શરૂ થઈ રહેલી ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ બાદ બીજી ચાર ટેસ્ટ એટલે કુલ પાંચ ટેસ્ટ રમાશે અને એમાં ભારતના પાંચ ખેલાડીને કોઈને કોઈ રેકૉર્ડ તોડવાનો મોકો મળવાનો છે. એટલું જ નહીં, ઓપનર યશસ્વી જયસ્વાલને તો એક વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરવાની તક મળશે.
આ શ્રેણી દરમ્યાન કેએલ રાહુલ, શુભમન ગિલ, રિષભ પંત, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને મોટો વિક્રમ પોતાને નામ કરવા મળશે.
કૅપ્ટન શુભમન ગિલથી શરૂઆત કરીએ તો તે 88 રન કરશે એટલે ટેસ્ટ-ક્રિકેટમાં 2,000 રન પૂરા કરશે. બીજી રીતે કહીએ તો તે ટેસ્ટ-ક્રિકેટમાં 2,000 કે વધુ રન કરનારાઓની હરોળમાં આવી જશે.
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડમાં ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને મળશે આ દિગ્ગજનું કોચિંગ
યશસ્વી જયસ્વાલ જો આ સિરીઝમાં 11 સિક્સર ફટકારશે તો ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) 50 છગ્ગા ફટકારનાર ખેલાડી બની જશે. હાલમાં તેના નામે 39 સિક્સર છે. તેણે 19 ટેસ્ટના 36 દાવમાં 1,798 રન કર્યા છે અને બીજા 202 રન કરશે એટલે ભારત વતી સૌથી ઝડપે 2,000 ટેસ્ટ-રન કરનાર ખેલાડી પણ બની જશે. એટલું જ નહીં, તે 3,000 આંતરરાષ્ટ્રીય રનથી 464 રન દૂર છે એટલે એ સિદ્ધિ પણ તેની રાહ જુએ છે.
કેએલ રાહુલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 9,000 રન પૂરા કરવાની તૈયારીમાં છે. તે 435 રન કરશે એટલે 9,000 રન પૂરા કરશે. અત્યાર સુધીમાં 17 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી ચૂકેલા રાહુલે થોડા દિવસ પહેલાં ઇંગ્લૅન્ડમાં પ્રૅક્ટિસ-મૅચમાં સેન્ચુરી (116 રન) અને હાફ સેન્ચુરી (51 રન) ફટકારી હતી.
વાઇસ-કૅપ્ટન રિષભ પંત ટેસ્ટ-ક્રિકેટમાં 3,000 રનના જાદુઈ આંકડાથી દૂર નથી. તે બાવન રન કરશે એટલે ટેસ્ટમાં 3,000 કે વધુ રન કરનાર ભારતીયોમાં બીજો વિકેટકીપર-બૅટ્સમૅન બની જશે. એમએસ ધોનીના નામે કુલ 4,876 ટેસ્ટ-રન છે. પંત 3,000 કે વધુ રન કરનાર વિશ્વનો 18મો પ્લેયર બનશે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન: રાજકોટ, ગોંડલ સહિત જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
જસપ્રીત બુમરાહને પાકિસ્તાનના પીઢ ફાસ્ટ બોલરનો રેકૉર્ડ તોડવાની તક છે. સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા એકસાથે સેના દેશો તરીકે ઓળખાય છે અને એમની સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં વસીમ અકરમ નંબર વન છે અને બુમરાહને તેનો રેકૉર્ડ બે્રક કરવાનો મોકો છે. અકરમે સેના દેશો સામે 146 ટેસ્ટ-વિકેટ લીધી હતી. બુમરાહના નામે અત્યારે 145 ટેસ્ટ-વિકેટ છે અને અકરમને પાર કરવા તેને બે જ વિકેટની જરૂર છે.
ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા 309 રન કરશે એટલે ટેસ્ટમાં તેના 7,000 રન પૂરા થશે, કારણકે હાલમાં તેના નામે 6,691 રન છે.
મોહમ્મદ સિરાજ પાસે 200 ટેસ્ટ-વિકેટ પૂરી કરવાનો મોકો છે. એ માટે તેને 15 વિકેટની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડમાં તે 11 મૅચમાં 27 વિકેટ લઈ ચૂક્યો છે.