T20 World Cupનો એકમાત્ર ભારતીય સેન્ચુરિયન કોણ છે, જાણો છો?
ન્યૂ યૉર્ક: 2007માં ટી-20નો સૌથી પહેલો વર્લ્ડ કપ રમાયો હતો જે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને આંચકો આપીને જીતી લીધો ત્યાર બાદ અત્યાર સુધીમાં આ ફૉર્મેટના વિશ્ર્વકપમાં અસંખ્ય મૅચો રમાઈ છે, પણ એમાં ફક્ત 11 સેન્ચુરી નોંધાઈ છે. એ 11 સેન્ચુરીમાં માત્ર એક સદી ભારતીય ખેલાડીની છે.
એ ખેલાડી હવે નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ તેની સાથોસાથ સૂર્યકુમાર યાદવ કે રોહિત શર્મા કે બીજા કોઈ ખેલાડીને થવાનો મોકો તો છે જ, સૌથી પહેલી તક વિરાટ કોહલીને છે એમ કહી શકાય, કારણકે 2016માં વાનખેડેમાં રમાયેલી વેસ્ટ ઇન્ડિઝ સામેની વર્લ્ડ કપ મૅચમાં ભારતની 20 ઓવર પૂરી થઈ જતાં કોહલી 89 રને અણનમ રહી ગયો હતો. ભારત એ મૅચ લેન્ડલ સિમન્સના અણનમ 82 અને આન્દ્રે રસેલના અણનમ 43 તેમ જ જૉન્સન ચાર્લ્સના બાવન રનને લીધે છેલ્લી ઓવરમાં હારી ગયું હતું.
સુરેશ રૈના ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો એકમાત્ર સેન્ચુરી-મેકર છે. તેણે 2010માં સાઉથ આફ્રિકા સામેની મૅચમાં 60 બૉલમાં પાંચ સિક્સર, નવ ફોરની મદદથી 101 રન બનાવ્યા હતા.
ભારતે સાઉથ આફ્રિકા સામેની એ મૅચ 14 રનથી જીતી લીધી હતી. રૈના સિવાય બીજો કોઈ ભારતીય બૅટર ટી-20 વિશ્ર્વ કપમાં સદી નથી ફટકારી શક્યો.
ટી-20 વર્લ્ડ કપમાં રૈના ઉપરાંત સદી ફટકારનારા (ભારત સિવાયના) ખેલાડીઓની વિગત આ મુજબ છે: ક્રિસ ગેઇલ (117 અને 100), મૅક્લમ (123), ઍલેક્સ હૅલ્સ (116), અહમદ શેહઝાદ (111), રાઇલી રોસોઉ (109), ગ્લેન ફિલિપ્સ (104), તમીમ (103), બટલર (101*), જયવર્દને (100).