ભારત-શ્રીલંકાની પ્રથમ ટાઇ 12 વર્ષ પહેલાં થઈ હતી
શુક્રવારે ભારતે હાથમાં આવેલો વિજય ગુમાવેલો, રવિવારની બીજી વન-ડેમાં વરસાદની સંભાવના

કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે બીજી વાર વન-ડે ટાઇ થઈ હતી. શ્રીલંકન કૅપ્ટન ચરિથ અસલંકાએ શિવમ દુબેને અને પછી બીજા જ બૉલમાં બિગ શૉટ મારવાની લાલચનો શિકાર બનેલા અર્શદીપ સિંહને એલબીડબ્લ્યૂ કરી દેતાં ભારતનો સ્કોર 230 રન પર અટકી ગયો હતો અને મૅચ ટાઇમાં પરિણમી હતી. ખરેખર તો ભારતે હાથમાં આવેલો વિજય ગુમાવી દીધો હતો.
2012માં ઍડિલેઇડમાં કૉમનવેલ્થ બૅન્ક સિરીઝમાં જયવર્દનેના સુકાનમાં શ્રીલંકાએ નવ વિકેટે 236 રન બનાવ્યા બાદ ધોનીના સુકાનમાં ભારતે પણ નવ વિકેટે 236 રન બનાવ્યા હતા અને મૅચ ટાઇ થઈ હતી. 50મી ઓવરના પાંચમા બૉલે વિનયકુમાર મૅથ્યૂઝના હાથે રનઆઉટ થતાં ઉમેશ યાદવ બૅટિંગમાં આવ્યો હતો. જોકે તે અને ધોની (અણનમ 58) છેલ્લે અણનમ રહી ગયા હતા અને આખરી બૉલમાં મૅચ ટાઇમાં પરિણમી હતી.
આ પણ વાંચો : ધોની 2007 વર્લ્ડ કપની ફાઇનલના હીરો અને પોલીસ ઇન્સ્પેક્ટરને વર્ષો બાદ મળ્યો
રવિવારે ભારત-શ્રીલંકા વચ્ચે જે બીજી વન-ડે (બપોરે 2.30 વાગ્યાથી) રમાશે એ દરમ્યાન વરસાદ પડવાની સંભાવના છે.
શ્રીલંકા સામે ભારત છેલ્લી તમામ છ વન-ડે જીત્યું છે. શ્રીલંકા સામે ભારતનો છેલ્લે જુલાઈ, 2021ની વન-ડેમાં પરાજય થયો હતો.
વિરાટને સચિન અને સંગકારાની માફક વન-ડેમાં 14,000 રનનો આંક પાર કરવા 128 રનની જરૂર છે.
શ્રીલંકા સામે મોહમ્મદ સિરાજનો વન-ડેમાં બહુ સારો રેકૉર્ડ છે. સિરાજે તેમની સામે સાત મૅચમાં 20 વિકેટ લીધી છે.