ભારતીય ક્રિકેટના ત્રણ બૅટિંગ સ્તંભનો 5 નવેમ્બર સાથે શું સંબંધ છે જાણો…

મુંબઈ: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન વિરાટ કોહલીનો આજે 37મો જન્મદિન છે. મુંબઈ અને દિલ્હી સહિત દેશમાં વિરાટના કેટલાક શહેરોમાં ઘર અને રેસ્ટોરાં છે અને તે હવે વર્ષ દરમ્યાન મોટા ભાગે પત્ની અનુષ્કા તથા પુત્રી વામિકા અને પુત્ર અકાય સાથે લંડનના નિવાસસ્થાને જ રહે છે, પરંતુ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલમાં તે હંમેશાં વસે છે.

ક્રિકેટ જગતના સૌથી ફિટ ખેલાડીઓમાં ફિટેસ્ટ વિરાટ કોહલીની ક્રિકેટ-સફર 2006માં દિલ્હી (Delhi) વતી રમેલી સૌપ્રથમ રણજી મૅચથી થઈ હતી. તે 2006ની 23મી નવેમ્બરે પહેલી વાર રણજી મૅચ રમ્યો હતો, પણ તે પાંચમી નવેમ્બરે 18મો જન્મદિન ઉજવી રહ્યો હતો એ અરસામાં જ દિલ્હીની ટીમમાં તેના સમાવેશની ચર્ચા હતી.
1988ની પાંચમી નવેમ્બરે દિલ્હીમાં જન્મેલો વિરાટ કોહલી (Virat Kohli) સ્થાનિક મૅચોમાં ધમાકેદાર ઇનિંગ્સ રમીને પહેલી વખત 2006માં દિલ્હીની જે રણજી ટીમ વતી રમ્યો એમાં ગૌતમ ગંભીર (વર્તમાન હેડ-કોચ), મિથુન મન્હાસ (વર્તમાન બીસીસીઆઈ પ્રમુખ), શિખર ધવન, આશિષ નેહરા, આકાશ ચોપડા, ઈશાન્ત શર્મા જેવા જાણીતા ખેલાડીઓ હતા. ત્યારે શરદ પવાર ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ચેતન ચૌહાણ દિલ્હીના કોચ હતા.

આરસીબીનો સુપરસ્ટાર વિરાટ તેના જન્મદિનવાળા નવેમ્બર મહિનામાં ભારત વતી ઘણી શાનદાર ઇનિંગ્સ રમ્યો છે અને એમાં સૌથી શ્રેષ્ઠ ઇનિંગ્સ 5/11/23ના જન્મદિવસે જ તે રમ્યો હતો. એ દિવસે તેણે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વન-ડે વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની મૅચમાં અણનમ 101 રન કર્યાં હતા, મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો હતો અને ભારતે ત્યારે સેમિ ફાઈનલમાં સ્થાન પાકું કરી લીધું હતું.
થોડા દિવસ બાદ વિરાટે એ જ ટૂર્નામેન્ટની સેમિ ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડ સામે 117 રન કર્યાં હતા. શ્રેયસ ઐયરના એ મૅચમાં 105 રન હતા. જોકે મોહમ્મદ શમીએ સાત વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો.
ગાવસકરની પાંચમી નવેમ્બરે આખરી મૅચ
પાંચમી નવેમ્બરના દિવસ સાથે મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસકરનો પણ નજીકનો સંબંધ છે. 1987ની પાંચમી નવેમ્બરે તેઓ ભારત વતી આખરી મૅચ રમ્યા હતા. એ વન-ડે હતી જે મુંબઈના વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામે રમાઈ હતી.
સચિનનું નવેમ્બર, 1989માં સિલેક્શન
સચિન તેન્ડુલકર 1989ની પાંચમી નવેમ્બરે ભારતની ટીમમાં પહેલી વાર સિલેક્ટ થયો હતો. ત્યારે તે પાકિસ્તાનની ટૂરમાં જોડાયો હતો અને 15મી નવેમ્બરે સચિને ભારત વતી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.
આપણ વાંચો: કૅચીઝ વિન મૅચીઝ: કપિલ, સૂર્યા પછી હવે અમનજોત, હરમનનાં વર્લ્ડ કપનાં કૅચ બન્યા ઐતિહાસિક



