મલ્ટિ-ટૅલન્ટેડ મનુ ભાકર ત્રણ મહિનાના બ્રેકમાં શું-શું કરશે, જાણી લો
ઈજાગ્રસ્ત મનુને કોચ રાણાએ કઈ બે રમતથી દૂર રહેવાની ચેતવણી આપી?
નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની મલ્ટિ-ટૅલન્ટેડ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સમાંથી બે બ્રૉન્ઝ મેડલ જીતીને પાછી આવી, સ્વદેશાગમનમાં તેનું 200 રૂપિયાની ચલણી નોટો અને ફૂલ-હારથી શાનદાર સ્વાગત થયું અને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સત્કાર સમારંભમાં તેણે પીએમ મોદીને પોતાની મેડલ-વિનિંગ પિસ્તોલ બતાવી. બ્રૉન્ઝ મેડલિસ્ટ હવે આ સુવર્ણ દિવસો બાદ ત્રણ મહિનાના બ્રેક પર જઈ રહી છે અને એમાં તે શું-શું કરવાની છે એની વિગત ખુદ મનુએ પીટીઆઇને આપી છે.
મનુ ભાકર ત્રણ મહિનાના બ્રેક પર હોવાથી ઑક્ટોબરમાં ભારતમાં યોજાનારા શૂટિંગના વર્લ્ડ કપમાં ભાગ નહીં લે.
જોકે નવેમ્બરના મધ્ય ભાગ સુધી ચાલનારો બ્રેક મનુ માટે પૂર્ણપણે વેકેશન નહીં બને, કારણકે આ ત્રણ મહિનામાં તે ઘણું બધુ કરવાની છે.
વહેલી સવારે 6.00 વાગ્યે ઉઠવું તેને ગમતું તો નથી, પણ તે જાગી જશે અને પહેલા તો યોગના આસનો કરશે. ત્યાર બાદ રુટિનમાંથી બહાર આવીને દિવસ દરમ્યાન તે ઘોડેસવારી, ભરતનાટ્યમ, સ્કેટિંગના શોખ પૂરા કરશે તેમ જ વાયોલિનની પ્રૅક્ટિસ પણ ફરી શરૂ કરશે.
પીટીઆઇ સાથેની ચર્ચા દરમ્યાન મનુ ભાકરે એવું પણ કહ્યું કે ‘હવે મને થોડી ફુરસદ મળશે એટલે વર્ક આઉટ માટે ટાઇમ આપવા ઉપરાંત માર્શલ આર્ટ્સને પણ થોડો સમય આપવાની છું.’
મનુ ભાકર નાનપણમાં કરાટે શીખી હતી. પછીથી તેને શૂટિંગમાં રસ જાગ્યો એટલે એમાં કરીઅર બનાવવાનું તેણે શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : મનુ ભાકરે કહ્યું, ‘હું અને નીરજ ચોપડા છ વર્ષથી એકમેકના…’
પીટીઆઇ સાથેની મનુ ભાકરની ચર્ચા દરમ્યાન શૂટિંગ કોચ અને ભારતીય શૂટિંગના લેજન્ડ જસપાલ રાણા પણ હાજર હતા.
મનુ ભાકરને ભરતનાટ્યમ શીખવું પણ ખૂબ ગમે છે. તેણે પીટીઆઇને કહ્યું, ‘આ નૃત્ય કળા મને ખૂબ પ્રિય છે.’ મનુ ભાકરના ભરતનાટ્યમના મહિલા ટીચર તામિલનાડુના છે.
પીટીઆઇ સાથેના ઇન્ટરવ્યૂ દરમ્યાન કોચ જસપાલ રાણા તેની બાજુમાં જ બેઠા હતા. મનુ ભાકર ત્રણ મહિનાના ‘હૉલીડે’માં શું-શું કરવાની છે એનું લાંબુલચક લિસ્ટ આપવા લાગી અને એમાં તેણે જેવું સ્કેટિંગ અને ઘોડેસવારી (હોર્સ-રાઇડિંગ)નું નામ લીધું કે તરત જ કોચ જસપાલ રાણા ઇન્ટરવ્યૂ લેનાર પત્રકાર સામે જોઈને બોલ્યા, ‘મને લાગે છે કે મનુએ બ્રેકના દિવસોમાં સ્કેટિંગ અને ઘોડેસવારી ટાળવા જોઈએ. જો એમાં તેને કંઈ થશે (ઈજા થશે) તો તે પોતે જવાબદાર કહેવાશે. ઘોડેસવારી શીખવામાં ઘોડા પરથી પડી જવાનો ભય સતત રહેતો હોય છે.’
જોકે મનુ ભાકરે તરત જવાબમાં કહ્યું, ‘હું થોડા સમયથી ઘોડેસવારી શીખું જ છું.’ એવું બોલીને તેણે સંકેત આપ્યો હતો કે જો તેને કંઈ થશે તો તે પોતે જ જવાબદાર કહેવાશે.
મનુ ભાકરે એવું પણ કહ્યું કે ‘હું ઑલિમ્પિક્સ પૂરી થવાની રાહ જ જોઈ રહી હતી. હું ઘોડેસવારી તો કરવાની જ છું. સ્કૂબા ડાઇવિંગ અને સ્કાય ડાઇવિંગ પણ મને ખૂબ ગમે છે.’
મનુ ભાકરને આઠ મહિનાથી હાથમાં ઈજા છે. કોચ જસપાલ રાણાએ કહ્યું, ‘મનુ, તારે તારા હાથને આરામ આપવાની ખાસ જરૂર છે. તારો ત્રણ મહિનાનો બ્રેક આ ઈજામાંથી મુક્ત થવા અને ફુલ્લી ફિટનેસ મેળવવા માટેનો જ છે. તું જાણે છે, તારા હાથની ઈજા હજી પૂરેપૂરી દૂર નથી થઈ. બ્રેકના ત્રણ મહિનામાં તારે ફક્ત યોગાસન અને વહેલા ઉઠવા સહિતની મેન્ટલ ટ્રેઇનિંગ પર જ ધ્યાન આપવું જોઈએ.’