સ્પોર્ટસ

મેસી-રોનાલ્ડો વચ્ચે ક્વૉર્ટર ફાઇનલમાં ટક્કર થઈ શકે, ઇરાને એક મૅચ અમેરિકામાં રમવી પડશે…

વૉશિંગ્ટનઃ 2026ની 11મી જૂનથી અમેરિકા, મેક્સિકો, કૅનેડામાં સંયુક્ત રીતે યોજાનારા ફિફા (FIFA) ફૂટબૉલ વર્લ્ડ કપ (WC)ની ટીમો કયા ગ્રૂપમાં રહેશે એનો ડ્રૉ અહીં હિમ વર્ષા વચ્ચે યોજાયો હતો જે મુજબ મેક્સિકોમાં સૌથી પહેલો મુકાબલો 2022ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમ આર્જેન્ટિના (ARGENTINA) અને અલ્જિરિયા વચ્ચે થશે. છેલ્લે 2022માં લિયોનેલ મેસીના આર્જેન્ટિનાએ વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી હતી. મેસીએ આ વર્લ્ડ કપમાં પોતે રમશે કે કેમ એ વિશે હજી અંતિમ નિર્ણય જાહેર નથી કર્યો. જોકે તે વિક્રમજનક છઠ્ઠા વર્લ્ડ કપમાં નહીં રમવાની જાહેરાત કરશે તો કરોડો ફૂટબૉલપ્રેમીઓ માટે એ આઘાતજનક કહેવાશે.

27 મહિના પહેલાં આ વિશ્વ કપ માટેનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ શરૂ થયો હતો અને પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલા બ્રાઝિલથી માંડીને કેપ વર્ડે, ક્યૂરેકાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન જેવા નવા દેશોને પોતાના ગ્રૂપ વિશેની જાણ થઈ છે. ઇરાનની ટીમે વર્લ્ડ કપની ઓછામાં ઓછી એક મૅચ દુશ્મન-દેશ અમેરિકામાં રમવી પડશે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ફિફાના ડ્રોની વખતે સમારોહની બાલ્કનીમાં નાચી રહ્યા હતા.

જો આર્જેન્ટિના અને પોર્ટુગલ (PORTUGAL) પોતપોતાના ગ્રુપ-સ્ટેજથી આગળ વધશે તો ક્વૉર્ટર ફાઇનલમાં લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વચ્ચે ટક્કર થશે.

48 દેશ વચ્ચેના આ વર્લ્ડ કપમાં કુલ 104 મૅચ રમાશે. માત્ર 1,50,000 લોકોની વસતી ધરાવતો ક્યૂરેકાઓ આ વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી નાનો દેશ છે. એનો પ્રથમ મુકાબલો ચાર વખત ચૅમ્પિયન બનેલા જર્મની સામે થશે. ક્વૉલિફાઇંગ રાઉન્ડ ચાલી રહ્યો હોવાથી અમુક ગ્રૂપમાં કેટલીક ટીમોના નામની જાહેરાત હજી બાકી છે.

ચાર-ચાર ટીમ વહેંચાઈ 12 ગ્રૂપમાંઃ જાણો, કોણ કોના ગ્રૂપમાં

ગ્રૂપ-એઃમેક્સિકો, સાઉથ આફ્રિકા, કોરિયા રિપબ્લિક, જાહેરાત બાકી
ગ્રૂપ-બીઃકૅનેડા, કતાર, સ્વિટ્ઝરલૅન્ડ, જાહેરાત બાકી
ગ્રૂપ-સીઃબ્રાઝિલ, મોરોક્કો, હૈતી, સ્કૉટલૅન્ડ
ગ્રૂપ-ડીઃઅમેરિકા, પારાગ્વે, ઑસ્ટ્રેલિયા, જાહેરાત બાકી
ગ્રૂપ-ઈઃજર્મની, ક્યૂરેકાઓ, કૉટે ડિવૉઇર, ઇક્વાડોર
ગ્રૂપ-એફઃનેધરલૅન્ડ્સ, જાપાન, ટ્યૂનિશ્યા, જાહેરાત બાકી
ગ્રૂપ-જીઃબેલ્જિયમ, ઇજિપ્ત, ઇરાન, ન્યૂ ઝીલૅન્ડ
ગ્રૂપ-એચઃસ્પેન, કૅબો વર્ડે, સાઉદી અરેબિયા, ઉરુગ્વે
ગ્રૂપ-આઇઃફ્રાન્સ, સેનેગલ, નોર્વે, જાહેરાત બાકી
ગ્રૂપ-જેઃઆર્જેન્ટિના, અલ્જિરિયા, ઑસ્ટ્રિયા, જોર્ડન
ગ્રૂપ-કેઃપોર્ટુગલ, ઉઝબેકિસ્તાન, કોલમ્બિયા, જાહેરાત બાકી
ગ્રૂપ-એલઃઇંગ્લૅન્ડ, ક્રોએશિયા, ઘાના, પનામા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button