સ્પોર્ટસ

ફેબ્રુઆરીમાં મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં આ તારીખે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ…

અમદાવાદમાં ફાઈનલ સહિત ઘણી મૅચો રમાશે

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી-20 એશિયા કપ ટ્રોફી વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં બંને દેશ વચ્ચે વધુ એક હાઈ વૉલ્ટેજ ટી-20 મૅચની તારીખ બહાર પડી ચૂકી છે.

ભારત અને પાકિસ્તાનની મેન્સ ટીમ વચ્ચે આગામી 15મી ફેબ્રુઆરીએ કોલંબોમાં ટી-20 વિશ્વ કપ (T20 World Cup)નો જંગ ખેલાશે.

હજી બે મહિના પહેલાં જ ટી-20ના એશિયા કપમાં ભારતે પાકિસ્તાનની ટીમને પરાજયની ઉપરાઉપરી ત્રણ લપડાક લગાવી હતી. એ ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને ફાઈનલ સહિત ત્રણેય મૅચમાં હરાવીને ચેમ્પિયનપદ મેળવી લીધું હતું, પરંતુ પાકિસ્તાનના મોહસિન નકવીની નફ્ફટાઈને કારણે સૂર્યકુમાર ઍન્ડ કંપનીને હજી સુધી ટ્રોફી નથી મળી.

ભારત અને શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપના સંયુક્ત યજમાનો (Host) છે. 15મી ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની જે મૅચ રમાશે એ ગ્રૂપ મૅચમાં ભારતની ત્રીજી મૅચ હશે.

ભારતના ગ્રૂપમાં કોણ

આગામી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના ગ્રૂપમાં યુએસએ, નામિબિયા અને નેધરલેન્ડ્સ પણ છે. ભારતની પહેલી મૅચ સાતમી ફેબ્રુઆરીએ મુંબઈમાં યુએસએ સામે રમાશે. ટી-20 વર્લ્ડ કપનો એ પ્રથમ દિવસ હશે. ત્યાર પછી 12મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતની નામિબિયા સામે મૅચ રમાશે અને ત્યાર બાદ પાકિસ્તાન સામે કોલંબોમાં મુકાબલો થશે. ભારતની ચોથી લીગ મૅચ 18મી ફેબ્રુઆરીએ અમદાવાદ (Ahmedabad)માં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલૅન્ડ્સ સામે રમાશે.

પાકિસ્તાનની તમામ મેચો…

7 ફેબ્રુઆરીથી આઠમી માર્ચ સુધીના એક મહિનાના ટી-20 વર્લ્ડ કપમાં દરરોજ ત્રણ મેચ રમાશે. તમામ ક્રિકેટ બોર્ડ વચ્ચેની સમજૂતી મુજબ પાકિસ્તાનની તમામ મૅચો કોલંબો અથવા કૅન્ડીમાં રમાશે.

વર્લ્ડ કપનું ફોર્મેટ જાણી લો…

કુલ 20 દેશ વચ્ચેની આ મહા સ્પર્ધામાં પાંચ-પાંચ ટીમને ચાર ગ્રૂપમાં વહેંચી નાખવામાં આવી છે. લીગ રાઉન્ડમાં દરેક ગ્રૂપમાં ટોચના બે સ્થાને રહેનારી ટીમ સુપર એઇટ રાઉન્ડમાં પહોંચશે. એમાં પણ આઠ ટીમને બે ગ્રૂપમાં વહેંચી નાખવામાં આવશે. બંને ગ્રૂપની ટોચની બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે.

સુપર એઇટમાં ભારતની મૅચો કયાં રમાશે

જો ભારત સુપર એઇટ રાઉન્ડમાં પહોંચશે તો એની ત્રણેય સુપર એઇટ મૅચ અનુક્રમે અમદાવાદ, ચેન્નઈ અને કોલકાતામાં રમાશે. ભારત જો સેમિ ફાઇનલમાં પહોંચશે તો એ મૅચ મુંબઈમાં રમાશે. પાકિસ્તાન સેમિ ફાઇનલમાં પહોંચશે તો એ મૅચ કોલંબોમાં રમાશે અને જો સેમિ ફાઇનલમાં એ નહીં પહોંચે તો એ બીજી સેમિ ફાઇનલ કોલકાતામાં રાખવામાં આવશે.

ફાઈનલ અમદાવાદમાં

આઠમી માર્ચની ફાઈનલ અમદાવાદમાં રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું હશે તો એ નિર્ણાયક મુકાબલો કદાચ કોલંબોમાં રાખવામાં આવશે.

ક્યા 20 દેશ વર્લ્ડ કપમાં

ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન ઉપરાંત જે 17 દેશ આ ટી-20 વર્લ્ડ કપમાં રમશે એમાં યુએસએ, નામિબિયા, નેધરલેન્ડ્સ, ઑસ્ટ્રેલિયા ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈટલી, આયર્લેન્ડ, કૅનેડા, નેપાળ, ઓમાન અને યુએઈનો સમાવેશ છે.

ભારત છે ડિફેન્ડિંગ ચેમ્પિયન

2024ના ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ત્યાર બાદ રોહિત તેમ જ વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button