પુત્ર ગિલની સદીથી ખુશ થયેલા પિતા તેના કયા નિર્ણયથી નારાજ અને ટીમ ઇન્ડિયા પર ગુસ્સે છે?
શુભમને સેન્ચુરી પૂરી કર્યા પછી હેલ્મેટ ઊતારીને સ્ટૅન્ડમાં બેઠેલા ડૅડી તરફ માથુ ઝુકાવીને તેમને સન્માન આપ્યું
ધરમશાલા: શુભમન ગિલ અહીં ઇંગ્લૅન્ડના બોલરોની ધુલાઈ કરી રહ્યો હતો ત્યારે તેના પિતા લખવિન્દર સિંહ સ્ટેડિયમમાં જ હતા અને પુત્રની ઇનિંગ્સને ભરપૂર માણી રહ્યા હતા.
શુભમનના પહેલા કોચ એટલે તેના પિતા અને નાનપણથી તેઓ પુત્રની બૅટિંગમાં સુધારો લાવવાની સાથે તેની પ્રત્યેક ઇનિંગ્સનું બારીકાઈથી નિરીક્ષણ પણ કરતા આવ્યા છે.
શુક્રવારે કૉમેન્ટરી બૉક્સમાં સંજય માંજરેકર અને હર્ષા ભોગલેથી પણ નહોતું રહેવાયું અને તેમણે લખવિન્દર પર થોડી વાતચીત કરી હતી. લખવિન્દર પુત્રના દરેક શૉટને તાળીથી વધાવતા હતા અને ગિલે જ્યારે સ્પિનર શોએબ બશીરના એક બૉલમાં ચોક્કો ફટકારીને સેન્ચુરી પૂરી ત્યારે તેમનાથી રહેવાયું નહીં અને ઊભા થઈ ગયા હતા અને મુઠ્ઠી વાળીને દીકરાની સદીને જોશપૂર્વક વધાવી લીધી હતી. તેમના ચહેરા પર સ્મિત કરતાં ગર્વની ભાવના વધુ છલકાતી હતી. કોણ કહે છે કે સ્મિતથી જ ખુશી વ્યક્ત કરી શકાય?
પુત્ર ગિલે પણ મેદાન પર આગળ આવીને પિતાને બરાબર સન્માન આપ્યું. ગિલ સામાન્ય રીતે સદી પૂરી કરીને હેલ્મેટ ઉતારતો હોય છે, પણ આ વખતે તેની સામે તેના આદર્શ અને માર્ગદર્શક બેઠા હતા જેને તેણે પૂરું માન આપ્યું હતું.
લખવિન્દર યુવાનીના દિવસોમાં પોતે બહુ સારા ક્રિકેટર હતા. તેઓ સ્વભાવના ખૂબ કડક છે. બીજી ટેસ્ટમાં ગિલ સેન્ચુરી પૂરી નહોતો કરી શક્યો ત્યારે તેને ડર હતો કે તે હોટેલ પર પાછો જશે ત્યારે તેના પપ્પા તેને ખૂબ ઠપકો આપશે.
ઇંગ્લૅન્ડ સામેની આ સિરીઝ પહેલાં ગિલની 12 ઇનિંગ્સ હાફ સેન્ચુરી વિનાની હતી ત્યારે તેના પર સારું રમવા સંબંધમાં ખૂબ માનસિક દબાણ હતું. કેટલાક ટીકાકારો ત્યાં સુધી સંકેત આપતા હતા કે ચેતેશ્ર્વર પૂજારા રાહ જોઈને જ બેઠો છે.
ગિલે વર્તમાન સિરીઝની મધ્યમાં પહેલી વાર ત્રીજા નંબર (વનડાઉનમાં) રમીને સેન્ચુરી ફટકારીને ટીકાકારોની બોલતી બંધ કરી હતી અને હવે શુક્રવારે એ જ પૉઝિશનમાં રમીને વધુ એક સદી ફટકારી.
જોકે પુત્રની લાગલગાટ બે સદી છતાં તેના પિતા લખવિન્દર સિંહ તેનાથી નારાજ છે. ટેસ્ટમાં ગિલે ઓપનિંગનું સ્થાન જતું કરીને વનડાઉનનું સ્થાન અપનાવ્યું એ તેમને નથી ગમ્યું. વર્ષોથી પુત્રને કોચિંગ આપતા લખવિન્દર ગિલની આ વખતની સેન્ચુરીથી સંતુષ્ટ નહોતા. તેમણે એક મુલાકાતમાં કહ્યું, ‘જ્યારે કોઈ પણ પ્લેયર પોતાના પર્ફોર્મન્સથી સંતુષ્ટ થઈ જાય ત્યારે સમજી લેવાનું કે તેના પર્ફોર્મન્સમાં સુધારો થવાની મર્યાદા આવી ગઈ. ખેલાડીએ પોતાને સંતુષ્ટ કરવાને બદલે ટીમના વિજય માટે વધુ શું થઈ શકે એના પર જ વિચારવું જોઈએ. તમારી ટીમ જીતે નહીં તો તમારી કોઈ જ સિદ્ધિ પૂર્ણ ન કહેવાય.’
ખરેખર તો નાનપણથી ઓપનિંગમાં રમતા ગિલે ગયા વર્ષે જુલાઈમાં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ વખતે ત્રીજા સ્થાને બૅટિંગ કરવાની શરૂઆત કરી હતી. ત્યાર પછીની નવ ઇનિંગ્સમાં તે કુલ મળીને માત્ર 142 રન બનાવી શક્યો હતો. જોકે કપરા કાળમાં ટીમ મૅનેજમેન્ટે તેના પર ભરોસો જાળવી રાખ્યો એટલે તે વર્તમાન શ્રેણીમાં ઉપરાઉપરી બે સેન્ચુરી ફટકારી શક્યો છે.
જોકે લખવિન્દર સિંહનું કહેવું છે કે તેમનો પુત્ર ઓપનર તરીકે વધુ સારું રમતો હતો. ‘શુભમને ઓપનિંગમાં રમવાનું જ ચાલુ રાખવું જોઈતું હતું. ડ્રેસિંગ-રૂમમાં લાંબો સમય બેઠા રહો ત્યારે મન પર દબાણ આવવાનું જ છે. ત્યારે ખોટા નિર્ણય લેવાઈ જાય. હું તો માનું છું કે નંબર-થ્રીનું સ્થાન ન તો ઓપનિંગ છે અને ન તો મિડલ-ઑર્ડરનું. ચેતેશ્ર્વર પૂજારાને એવું (ત્રીજા નંબરનું) સ્થાન વધુ ફાવે, કારણકે તે ડિફેન્સિવ ગેમ રમવામાં માહિર છે. ઓપનર માટે ફાયદો એ છે કે તે દાવની શરૂઆત કરે ત્યારે બૉલ નવો હોય છે. એ નવો બૉલ જો બૅટર માટે મુશ્કેલ બની જાય તો બોલર માટે પણ મુશ્કેલી ઊભી કરતો હોય છે. એમાં બૅટરને થોડા લૂઝ બૉલ મળવાની સંભાવના વધુ રહે છે.’
પુત્ર શુભમનને ઓપનિંગનું સ્થાન છોડીને વનડાઉનમાં રમવા દેવા બદલ લખવિન્દરે ટીમ મૅનેજમેન્ટ પર પણ થોડો ગુસ્સો ઊતાર્યો હતો. જોકે તેમણે મુલાકાતમાં વધુમાં કહ્યું કે ‘હું શુભમનના નિર્ણયોની બાબતમાં બહુ દખલગીરી નથી કરતો. હું તેને માત્ર તાલીમ આપું છું. તે પોતાના નિર્ણયો લઈ શકે એટલો મોટો અને પાકટ થઈ ગયો છે. તે ટીનેજર હતો ત્યારે હું તેના વતી અમુક ખાસ નિર્ણયો લેતો હતો.’