ઇંગ્લૅન્ડમાં જન્મેલા પ્રથમ અશ્વેત બ્રિટિશ-ક્રિકેટર ડેવિડ લૉરેન્સનું નિધન | મુંબઈ સમાચાર

ઇંગ્લૅન્ડમાં જન્મેલા પ્રથમ અશ્વેત બ્રિટિશ-ક્રિકેટર ડેવિડ લૉરેન્સનું નિધન

ભારત અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ મૌન પાળ્યું અને હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા

લંડનઃ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ લૉરેન્સ (DAVID LAWRENCE)નું રવિવારે 61 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમને અંજલિ આપવા ભારત અને ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ લીડ્સમાં પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસની રમત વખતે બે મિનિટ મૌન (SILENCE) પાળ્યું હતું અને તેઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.
ડેવિડ લૉરેન્સ સીડ' તરીકે જાણીતા હતા. ઇંગ્લૅન્ડમાં જન્મેલા પ્રથમ અશ્વેત (BLACK) બ્રિટિશ-ક્રિકેટર હતા. તેઓ 1988થી 1992 દરમ્યાન પાંચ ટેસ્ટ અને એક વન-ડે રમ્યા હતા.

તેઓ ગયા વર્ષથી મૉટર ન્યૂરૉન ડિસીઝ (MND)થી પીડાતા હતા. મગજના જ્ઞાનતંતુઓને લગતી આ બીમારીમાં સ્નાયુઓ નબળા પડતા જાય છે. આ બીમારીનો કોઈ ઇલાજ ન હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગ્લૉસ્ટરશર કાઉન્ટી ક્રિકેટ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ હતા.

હજી ગયા અઠવાડિયે તેમની આત્મકથા સીડ્સ વૉઇસ’ પ્રકાશિત થઈ હતી. લૉરેન્સે પાંચ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ડેસ્મંડ હેઇન્સ, જેફ દુજોં, રિચી રિચર્ડસન, અરવિંદ ડિસિલ્વાની બે-બે વખત તેમ જ વિવ રિચર્ડ્સ તથા હસન તિલકરત્ને સહિતના બીજા જાણીતા બૅટ્સમેનોની એક-એક વખત વિકેટ લીધી હતી. પાંચ ટેસ્ટમાં 18 વિકેટ અને એક વન-ડેમાં ચાર વિકેટ લેનાર લૉરેન્સે ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં 515 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો -‏‏‎ રિષભ પંતના એક ઇનિંગ્સમાં છ છગ્ગા, ઇંગ્લૅન્ડમાં નવો વિક્રમ…

લૉરેન્સ ફાસ્ટ બોલિંગ માટે જાણીતા હતા, પરંતુ 1992માં ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ દરમ્યાન તેમને ઘૂંટણમાં ગંભીર ઈજા થયા પછી તેઓ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહોતા રમી શક્યા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button