ફૂટબૉલપ્રેમી મૅન્ચેસ્ટર યુનાઇટેડના ડ્રેસિંગ-રૂમમાં રેકૉર્ડિંગ માટે મોબાઇલ મૂકીને છૂમંતર થઈ ગયો!
મૅન્ચેસ્ટર: ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં એક સમયે ચૅમ્પિયન ગણાતી મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) ટીમનો પર્ફોર્મન્સ થોડા વર્ષોથી કથળી ગયો છે અને વર્તમાન ઇપીએલમાં છેક 14મા સ્થાને છે. કોચ એરિક ટેન હૅગ ચર્ચાસ્પદ રહ્યા છે એવામાં તાજેતરમાં એમયુની એક મૅચ વખતે અજબ કિસ્સો બની ગયો. આ ટીમના ડ્રેસિંગ-રૂમમાં અજાણી વ્યક્તિ રેકૉર્ડિંગ કરવાના બદઇરાદાથી મોબાઇલ મૂકીને જતી રહી હતી.
પ્રીમિયર લીગમાં એમયુની છેલ્લી મૅચ ડ્રૉમાં ગઈ હતી. પાંચમા નંબરની ઍસ્ટન વિલા ટીમ સામેની એમયુની મૅચ 0-0થી ડ્રૉમાં ગયા બાદ હવે એમયુની મૅચ 19મી ઑક્ટોબરે પોતાનાથી ચડિયાતા (11મા) ક્રમની ટીમ બ્રેન્ટફર્ડ સામે રમાશે.
આ પણ વાંચો : હૅરી મૅગ્વાયરે મૅન્ચેસ્ટર યુનાઇટેડની ટીમને પરાજયથી બચાવી
ઇંગ્લૅન્ડના એક જાણીતા દૈનિકના અહેવાલમાં જણાવાયું હતું કે ‘વિલા પાર્ક ખાતેના સ્ટેડિયમમાં એમયુના ડ્રેસિંગ-રૂમમાં એક વ્યક્તિ રેકૉર્ડિંગ ડિવાઇસ મૂકી ગઈ હતી. એ મોબાઇલ હતો. એવું મનાય છે કે આ મોબાઇલ મૂકી જનારી વ્યક્તિને ખબર હતી કે કોચ એરિક ક્યારે રૂમમાં હશે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ એમયુની ટીમનો ચાહક હતો અને તે ડ્રેસિંગ-રૂમમાં કોણ શું બોલે છે એ સાંભળવા માગતો હતો એટલે ચાલાકીથી આ મોબાઇલ મૂકી ગયો હતો.’
જોકે ઇપીએલના સત્તાધીશો ચિંતામાં મૂકાયા છે. આ ફૂટબૉલ ફૅન કેવી રીતે ઇપીએલની ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમના ડ્રેસિંગ-રૂમમાં ઘૂસી ગયો અને ગુપ્ત જગ્યાએ પોતાનો મોબાઇલ રાખી શક્યો એ બાબતમાં તપાસ થઈ રહી છે.