પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરના બફાટનો વીડિયો થયો વાઇરલ…
ઇસ્લામાબાદ: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે અયોધ્યામાં રામ મંદિરને લઈને એક વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. મિયાંદાદે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જઈ રહેલા હિન્દુઓ મુસ્લિમ બનીને બહાર આવશે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એવા સમયે વાઇરલ થઇ રહ્યો છે જ્યારે રામ મંદિરના ઉદ્ઘાઘાટનમાં હવે ગણતરીના દિવસો જ બાકી છે.
વાઇરલ વીડિયોમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બોલી રહ્યો છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મસ્જિદને મંદિરમાં ફેરવીને ખૂબજ સારું કામ કર્યું છે. હું માનું છું કે જે પણ તે મંદિરમાં જશે તે મુસ્લિમ તરીકે બહાર આવશે કારણ કે આપણા મૂળ હંમેશા ત્યાં જ રહે છે. મને ખૂબ આનંદ થાય છે કે તમે મંદિર બનાવ્યું આમ તો આ ખોટી બાબત છે પરંતુ લોકો ત્યાંથી મુસલમાન થઇને બહાર આવશે. સોશિયલ મીડિયા પર ફરતા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો વીડિયો ત્રણ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, પરંતુ અત્યારે ખૂબજ વાઇરલ થયો છે.
જાવેદ મિયાંદાદ 22 વર્ષની ઉંમરે પાકિસ્તાન માટે કેપ્ટનની ભૂમિકા નિભાવનારા સૌથી યુવા ખેલાડીઓમાંના એક હતા. આ બેટ્સમેને 1992માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભાગ હતો જ્યારે પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ જીતી હતી. પોતાની કારકિર્દી બાદ મિયાંદાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મુખ્ય હોદ્દા પર હતા. તેણે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમને ત્રણ વખત કોચિંગ પણ આપ્યું હતું.
નોંધનીય છે કે નવ નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ બનાવવા અને મસ્જિદ બનાવવા માટે વૈકલ્પિક જગ્યાએ મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો. ડિસેમ્બર 1992માં 16મી સદીની મુઘલ-યુગની બાબરી મસ્જિદ જેને એક મોટા વર્ગ દ્વારા ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે, તેને તોડી પાડવામાં આવી હતી.