અમદાવાદઃ IPL 2024ની ફાઇનલમાં શાહરૂખ ખાનની (Shah Rukh Khan)ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ પહોંચી ગઈ છે. શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતાએ પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. KKR અને હૈદરાબાદ વચ્ચેની મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં KKRની જીત બાદ ટીમના કો-ઓનર શાહરૂખ ખાને હાથ જોડીને માફી માંગી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મેચ પછી શાહરૂખ ખાન, તેની પુત્રી સુહાના ખાન અને પુત્ર અબ્રાહમ ખાને મેદાન ફરતે ચાહકોનો આભાર માનવા ગયા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન આકસ્મિક રીતે લાઈવ શોની વચ્ચે આવી ગયો, જે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા (Akash Chopra), પાર્થિવ પટેલ (Parthiv Patel) અને સુરેશ રૈના (Suresh Raina) કરી રહ્યા હતા. શાહરૂખ ભારતીય ક્રિકેટરોને લાઈવ શો કરતા જોઈ શક્યો ન હતો અને પોતાની મસ્તીમાં વચ્ચે આવી ગયો હતો.
પરંતુ કિંગ ખાન (Kinf Khan)ને જેવી ખબર પડી કે તે લાઈવ શોની વચ્ચે આવી ગયો છે, તેણે તરત જ માફી માંગી લીધી. શાહરૂખે શો કરી રહેલા ત્રણેય ક્રિકેટરોને ગળે લગાવ્યા અને બહાર નીકળતી વખતે તેણે ફરી એકવાર હાથ જોડીને સોરી કહ્યું. શાહરૂખની આ વિનમ્રતા ચાહકોને ઘણી પસંદ આવી. આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા આકાશ ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, તે ખરેખર લિજેન્ડ છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો કારણ કે ટીમ 19.3 ઓવરમાં 159 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમતા રાહુલ ત્રિપાઠીએ 35 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. ટીમના કુલ 4 બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.
ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ 13.4 ઓવરમાં જીત મેળવી લીધી હતી. ટીમ માટે, કેપ્ટન શ્રેયસ અય્યરે 24 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 58 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય વેંકટેશ અય્યરે 28 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા.