Euro 2024: યુરોની સેમિ ફાઈનલમાં આવતી કાલે ફ્રાન્સ-સ્પેનની ટક્કર, મુકાબલા વિશે જાણો રસપ્રદ વાતો…
મ્યૂનિક: યુરોપની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુરો-2024માં બેસ્ટ ચાર ટીમ વચ્ચેના રોમાંચક મુકાબલાઓનો સમય આવી ગયો છે. આવતી કાલે મંગળવારે (ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12:30 વાગ્યાથી) ફ્રાન્સ અને સ્પેન વચ્ચે પહેલી સેમિ ફાઈનલ રમાશે.
જર્મનીના મ્યૂનિક શહેરમાં રમાનારી આ પહેલી સેમિમાં બંને ટીમ વચ્ચે જબરદસ્ત જંગ જામશે. ખાસ કરીને ફ્રાન્સના પચીસ વર્ષીય કેપ્ટ્ન કીલિયાન એમ્બપ્પે માટે આ મૅચ અત્યંત મહત્વની છે. એક તો તે પહેલી વાર મોટી ટૂર્નામેન્ટમાં કેપ્ટન્સી સંભાળી રહ્યો છે. બીજું, પ્રોફેશનલ ફૂટબૉલમાં તે રિયલ મેડ્રિડ વતી રમવાનું શરૂ કરે એ પહેલાં પણ તેણે આ સેમિમાં સારુ રમી દેખાડવાનું છે.
આ ટુર્નામેન્ટમાં પહેલેથી જ એમ્બપ્પેના ફૉર્મ અને ફિટનેસ સારા નથી રહ્યા. એ જોતાં આ સેમિ ફાઇનલમાં અને એમાં જો વિજય મળે તો ફાઇનલમાં તે પોતાની સુપરસ્ટારની છાપ જેવું રમી દેખાડે એવી અપેક્ષા તેની ટીમના મેનેજમેન્ટને તેમ જ કરોડો ચાહકોને છે.
આ પણ વાંચો : અભિષેકના 100 રન પછી ઝિમ્બાબ્વે 100 રનથી હાર્યું
ટીનેજર તરીકે ફિફા વર્લ્ડ કપ જીતનાર અને 2022માં કતારના વિશ્વ કપની ફાઈનલમાં હૅટ-ટ્રિક ગોલ કરનાર એમ્બપ્પે વર્તમાન યુરો સ્પર્ધામાં સારું નથી રમી શક્યો. તે 34 પ્રયાસમાં માત્ર એક જ વખત ગોલ કરી શક્યો છે.
ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સ્પેનનો હાથ ઉપર છે. અત્યાર સુધીમાં કુલ 29 મૅચમાંથી 16માં સ્પેન અને 13માં ફ્રાન્સ જીત્યું છે.
બીજી સેમિ ફાઈનલ બુધવારે ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે.
કોણ કેવી રીતે સેમિ ફાઇનલમાં પહોંચ્યું?
ફ્રાન્સ
(1) લીગમાં ઓસ્ટ્રીયા સામે 1-0થી વિજય
(2) લીગમાં નેધરલેન્ડ્સ સામે 0-0થી ડ્રો
(3) લીગમાં પોલૅન્ડ સામે 1-1થી ડ્રો
(4) પ્રી-કવોર્ટરમાં બેલ્જીયમ સામે 1-0થી વિજય
(5) કવોર્ટરમાં પોર્ટુગલ સામે પેનલ્ટી શૂટઆઉટમાં 5-3થી વિજય.
સ્પેન
(1) લીગમાં ક્રોએશિયા સામે 3-0થી વિજય
(2) લીગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇટલી સામે 1-0થી વિજય
(3) લીગમાં આલ્બેનિયા સામે 1-0થી વિજય
(4) પ્રી-કવોર્ટરમાં જ્યોર્જીયા સામે 4-1થી વિજય.
(5) કવોર્ટરમાં યજમાન જર્મની સામે 2-1થી વિજય.