Euro-2024માં બીજા જ દિવસે સૌથી ઝડપી પ્રથમ ગોલનો વિક્રમ રચાયો
ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલીએ શૉક-ટ્રીટમેન્ટ પછી આલ્બેનિયા સામે જીત સેલિબ્રેટ કરી: સ્પેને ક્રોએશિયાને હરાવ્યું

ડૉટમન્ડ (જર્મની): ફૂટબૉલની યુરોપિયન ચૅમ્પિયનશિપ (યુરો-2024)ની જર્મનીમાં ધમાકેદાર શરૂઆત છે અને ખુદ જર્મનીએ સ્કૉટલૅન્ડને પ્રથમ મૅચમાં 5-1થી હરાવી દીધું ત્યાર બાદ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇટલી (Italy)એ પણ પહેલી જ મૅચમાં જીત મેળવી છે.
જોકે ઇટલીની ટીમે પહેલા તો શૉટ-ટ્રીટમેન્ટનો અનુભવ કરવો પડ્યો હતો અને ત્યાર પછી મૅચ પર વર્ચસ જમાવ્યે રાખીને છેવટે જીત હાંસલ કરી હતી.
આલ્બેનિયા (Albania) સામેની મૅચ હજી તો શરૂ થઈ ત્યાં 23મી જ સેક્ધડમાં આલ્બેનિયાના નેદિમ બજરામીએ ગોલ કરીને સનસનાટી મચાવી દીધી હતી. આ ટૂર્નામેન્ટના 64 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ઝડપી પ્રથમ ગોલ તરીકે રેકૉર્ડ-બુકમાં આવી ગયો હતો. આ પહેલાં વહેલામાં વહેલું 67મી સેક્ધડમાં ગોલ થયો હતો અને એ રેકૉર્ડ હતો. 2004માં રશિયાના દમિત્રી કિરીચેન્કોએ એક મિનિટ અને સાતમી સેક્ધડ (67મી સેક્ધડ)માં ગોલ કર્યો હતો.
આ પણ વાંચો : યુરો ફૂટબૉલમાં યજમાન જર્મનીની ધમાકેદાર શરૂઆત
લગભગ 10 મિનિટ સુધી ઇટલીને સ્કોરની બરાબરી કરવાનો મોકો નહોતો મળ્યો, પરંતુ 11મી મિનિટમાં ઍલેસેન્ડ્રો બસ્તોનીએ ગોલ કરીને ઇટલીની ટીમને રાહતનો દમ અપાવ્યો હતો.
પાંચ જ મિનિટ પછી નિકોલો બારેલાએ પણ ગોલ કરીને ઇટલીને 2-1થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ મૅચમાં એક પણ ગોલ નહોતો થયો. બન્ને ટીમે આક્રમણ ચાલુ રાખ્યું હતું, પરંતુ બન્નેનું ડિફેન્સ પણ મજબૂત હતું.
લ્યૂસિયાનો સ્પેલાટીના સુકાનમાં ઇટલીની નવી ટીમ પર ગ્રૂપ-બીમાં પહેલી જ મૅચ જીતવાનું પ્રચંડ પ્રેશર હતું. કારણ એ છે કે આ ગ્રૂપમાં ત્રણ વાર ચૅમ્પિયન બનેલા સ્પેનનો તેમ જ 2022ના વર્લ્ડ કપ સેમિ ફાઇનલિસ્ટ ક્રોએશિયાનો સમાવેશ છે.
શનિવારની આ મૅચ પહેલાં સ્પેને ક્રોએશિયાને 3-0થી હરાવી દીધું હતું.