મોં પર ત્રણ ટાંકા લીધા બાદ હાલૅન્ડના પાંચ ગોલ, નોર્વેનો વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગમાં 11-1થી વિજય | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

મોં પર ત્રણ ટાંકા લીધા બાદ હાલૅન્ડના પાંચ ગોલ, નોર્વેનો વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગમાં 11-1થી વિજય

દુબઈઃ યુરોપના દેશ નોર્વેના અર્લિંગ હાલૅન્ડે (Erling Haaland) મંગળવારે મોલ્દોવાને 2026ના ફિફા વર્લ્ડ કપ માટેના ક્વૉલિફાઇંગ રાઉન્ડની મૅચમાં 11-1થી હરાવ્યું હતું. નોર્વેનો અર્લિંગ હાલૅન્ડ આ મૅચનો સુપરસ્ટાર હતો.

તેણે પાંચ ગોલ ફટકાર્યા હતા. બે દિવસ પહેલાં તેણે એક આકસ્મિક ઘટનામાં મોઢા પર ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. વર્લ્ડ કપ માટેના યુરોપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સૌથી મોટો વિજય નોર્વે (Norway)ના નામે થતા રહી ગયો હતો. 1969માં વેસ્ટ જર્મનીએ સાયપ્રસ સામે 12-0થી જે જીત મેળવી હતી એ વિક્રમ તૂટતા રહી ગયો હતો.

આપણ વાંચો: India vs Qatar Football Highlights: કતારના વિવાદાસ્પદ ગોલને કારણે ભારત ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર; WATCH

પ્રોફેશનલ ફૂટબૉલમાં મૅન્ચેસ્ટર સિટી વતી રમતો હાલૅન્ડ મંગળવારે બેકાબૂ હતો. મોલ્દોવાના ડિફેન્ડર્સ તેને તેમ જ થેલો આસ્ગાર્ડને અંકુશમાં નહોતા રાખી શક્યા. આસ્ગાર્ડે બેન્ચ પર ઘણો સમય સુધી બેસ્યા બાદ મેદાન પર આવીને ચાર ગોલ કર્યા હતા.

વિશ્વની 154મા નંબરની ટીમ મોલ્દોવા (Moldova) વતી જે એક ગોલ થયો હતો એ પણ એક રીતે નોર્વેની ટીમની મહેરબાનીથી થયો હતો, કારણકે નોર્વેના ડિફેન્ડર લીઓ ઑસ્ટિગાર્ડથી અજાણતાં મોલ્દોવાના ગોલ પોસ્ટમાં ઑન ગોલ થઈ ગયો હતો.

હાલૅન્ડ બે દિવસ પહેલાં હોટેલમાં જતાં પહેલાં ટીમની બસમાંથી ઊતરી રહ્યો હતો ત્યારે લગેજ ડૉર સાથે અથડાતાં તેને હોઠ નીચે ઈજા થઈ હતી અને તેણે ત્રણ ટાંકા લેવા પડ્યા હતા. એ ઈજાને અવગણીને તે મંગળવારે રમ્યો હતો અને પાંચ ગોલ ફટકારી દીધા હતા.

https://twitter.com/nff_landslag/status/1965525470763778543

આપણ વાંચો: વિજ્ઞાનીઓએ કેમ આવું કહ્યું, `ફિફાએ વર્લ્ડ કપના કૅલેન્ડર વિશે ફેર વિચારણા કરવાની જરૂર છે’

ઇજિપ્ત નિરાશ, ફ્રાન્સ-ઇંગ્લૅન્ડ જીત્યા

વર્લ્ડ કપ માટેના યુરોપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ફૂટબૉલ જગતમાં 63મી રૅન્ક ધરાવતા બુર્કિના ફાસો નામના દેશની ટીમ સામેની મંગળવારની મૅચ 0-0થી ડ્રૉમાં જતાં વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવાનું ઇજિપ્ત માટે હવે વધુ વિલંબમાં મુકાઈ ગયું છે. ફ્રાન્સે 0-1થી પાછળ રહ્યા બાદ કમબૅક કરીને બે ગોલ ફટકાર્યા હતા અને 2-1થી વિજય મેળવ્યો હતો.

એક ગોલ કીલિયાન ઍમ્બપ્પેએ 45મી મિનિટમાં પેનલ્ટીમાં કર્યો હતો અને 62મી મિનિટમાં તેની મદદથી બૅ્રડલી બાર્કોલાએ ગોલ કર્યો હતો અને ફ્રાન્સે 2-1થી મુકાબલો જીતી લીધો હતો. ઇંગ્લૅન્ડે સર્બિયાને 5-0થી પરાસ્ત કરીને ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં સ્થાન મજબૂત કર્યું હતું.

આપણ વાંચો: આફ્રિકાનો આ દેશ જીતવામાં નિષ્ફળ, 2026ના ફિફા વર્લ્ડ કપમાં પહોંચવાનું હવે લગભગ અશક્ય

રોનાલ્ડોએ વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી

પોર્ટુગલે મંગળવારે હંગેરીને 3-2થી હરાવ્યું હતું. ત્રણમાંથી એક ગોલ સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યો હતો. તેણે એ સાથે, વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડના ઇતિહાસમાં સૌથી વધુ 39 ગોલ કરનાર ગ્વાટેમાલાના કાર્લોસ રુઇઝના વિશ્વ વિક્રમની બરાબરી કરી લીધી હતી. હવે રોનાલ્ડો વધુ એક ગોલ કરશે એટલે વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લેશે.

બ્રાઝિલને બોલિવિયાનો આંચકો

દક્ષિણ અમેરિકા ઉપખંડની એક મૅચમાં બોલિવિયાએ બ્રાઝિલને 1-0થી આંચકો આપીને 2026 વર્લ્ડ કપ માટેની પ્લે-ઑફ ટૂર્નામેન્ટમાં નામ લખાવી દીધું હતું. અન્ય એક મૅચમાં કોલમ્બિયાનો વેનેઝુએલા સામે 6-3થી વિજય થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button