
મુંબઈઃ અહીં રમાયેલી દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજની વન-ડે મેચમાં ઇંગ્લેન્ડની 229 રને ભૂંડી હાર થઈ હતી, પરંતુ જેમાં અનેક રેકોર્ડ સર્જ્યા હતા. નેધરલેન્ડ સામે હારેલી દક્ષિણ આફ્રિકાની ટીમે આજે આક્રમક ઈનિંગ રમીને 399 રનનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો, જેના જવાબમાં ઇંગ્લેન્ડ 22 ઓવરમાં 170 રને ઓલઆઉટ થયું હતું.
સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ઈનિંગમાં આફ્રિકાએ બેટિંગ કરતા પચાસ ઓવરમાં સાત વિકેટે 399 રનના નોંધપાત્ર સ્કોર નોંધાવ્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેના જવાબમાં પહેલા રમવા આવેલી સાઉથ આફ્રિકાની ટીમે 399 રન કર્યા હતા, જેમાં પહેલી વિકેટ સાવ સસ્તામાં પડી હતી. ડી કોકની પહેલી વિકેટ પડ્યા પછી રીઝા હેન્ડ્રિક્સ અને એડન મેક્રમે 121 રનની ભાગીદારી નોંધાવી હતી, તેથી આફ્રિકાએ નોંધપાત્ર સ્કોરભણી પ્રયાણ કર્યું હતું.

હેનરિક ક્લાસેને 67 બોલમાં 109 રન (12 ચોગ્ગા, ચાર સિક્સર) તથા માર્કો જેન્સને 42 બોલમાં 75 રન ફટકાર્યા હતા, જેમાં માર્કોએ છ સિક્સર અને ત્રણ ચોગ્ગા માર્યા હતા. હેન્ડ્રિક્સે 75 બોલમાં 85 (નવ ચોગ્ગા, ત્રણ સિક્સર) રસી વાન ડેર ડસેને 61 બોલમાં 60 રન (આઠ ચોગ્ગા), એડન માક્રમ (કેપ્ટન) 44 બોલમાં 42 રન કર્યા હતા.આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામે 399 રનનો સ્કોર બનાવીને વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં એક પણ ટીમે ઈંગ્લેન્ડ સામે આટલા રન ખડ્ક્યાં નહોતા, જે આજે નવો વિક્રમ નોંધાયો છે.

સૌથી રસપ્રદ વાત એ હતી કે પહેલી દસ ઓવરમાં 143 રન માર્યા હતા, જેમાં હેનરિક ક્લાસેન અને માર્કોએ મજબૂત બેટિંગ કરી હતી. હેનરિક ક્લાસેન હવે વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં છઠ્ઠા નંબરના બેટર બન્યો છે, જેને 61 બોલમાં 100 રન કર્યા હતા. ક્લાસેને રોહિત શર્માનો પણ રેકોર્ડ બ્રેક કર્યો હતો. રોહિતની 63 બોલમાં સદી હતી, જ્યારે ક્લાસેને 61 બોલમાં સદી ફટકારી હતી.

બીજી ઇનિંગમાં ઈન્ગલેન્ડે રીતસર નબળું પ્રદર્શન નોંધાવ્યું હતું, જેમાં આફ્રિકાના ચાર બોલરોએ ધમાકો કર્યો હતો. પહેલી વિકેટ (બ્રિસ્ટો 10 રન કર્યા હતા) 18 રને, બીજી 23 રને (જો રુટે બે), 24 રને ત્રીજી (ડેવિડ મલાને છ રન), 38 રને ચોથી (બેન સ્ટોકસે પાંચ રન), 67 રને પાંચમી (બટલર પંદર), 68 રને બ્રુકની, 84 રને આદિલ રશિદ (10), 100 રને ડેવિડ વિલિ (12)ની વિકેટ પડી હતી, માર્ક વૂડ અને એટકિનસની આઠમી વિકેટની ભાગીદારીએ મજબૂત રન કર્યા હતા, પરંતુ 170 રને નવમી વિકેટ પડી હતી.
બીજી બાજુ દસમી વિકેટ તરીકે રીસે ટોપ્લે ઈજાગ્રસ્ત હોવાને કારણે રમી શક્યો નહોતો, જ્યારે આફ્રિકાવતીથી સૌથી વધુ વિકેટ જીરાલ્ડ કોટેઝે, લુંગી ગિડી, માર્કો જેન્સન, રબાડાએ લીધી હતી. દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે રમ્યા પૂર્વે ત્રણ મેચ રમ્યું છે, જેમાં બે જીત અને એક હાર થઈ છે.