ઇંગ્લેન્ડની મહિલા ટીમ ૧૦૦ ટેસ્ટ મેચ રમનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની
મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે નવી મુંબઈની ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડની મહિલા ટીમની આ ૧૦૦મી ટેસ્ટ મેચ છે. આ સાથે ઈંગ્લેન્ડ ૧૦૦ ટેસ્ટ રમનારી પ્રથમ મહિલા ટીમ બની ગઈ છે.
ઈંગ્લેન્ડ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં ૭૭ ટેસ્ટ, ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે ૪૫ ટેસ્ટ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૩૯ ટેસ્ટ રમી છે. આ સાથે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમે ૧૩ ટેસ્ટ, વેસ્ટ ઈન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમે ૧૨ ટેસ્ટ, પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમે ૩ ટેસ્ટ અને આયરલેન્ડ, નેધરલેન્ડ્સ અને શ્રીલંકાની મહિલા ટીમોએ ૧-૧ ટેસ્ટ રમી છે. અત્યાર સુધી રમાયેલી ૯૯ મેચોમાંથી ઈંગ્લેન્ડે ૨૦માં જીત મેળવી છે, ૧૫માં હાર અને ૬૪ મેચ ડ્રો રહી છે.
ઑસ્ટ્રેલિયા સૌથી વધુ ટેસ્ટ જીતનારી (૨૧) મહિલા ક્રિકેટ ટીમ છે. આ યાદીમાં ઈંગ્લેન્ડ (૨૦), ભારત (૫), ન્યૂઝીલેન્ડ (૨), આયરલેન્ડ (૧), દક્ષિણ આફ્રિકા (૧), શ્રીલંકા (૧) અને વેસ્ટ ઈન્ડિઝ (૧)ની મહિલા ટીમો પણ સામેલ છે.