દીપ્તિ શર્માએ વન-હૅન્ડેડ શૉટમાં ફટકારેલી સિક્સરનો શ્રેય કોને આપ્યો, જાણો છો?

સાઉધમ્પ્ટનઃ ઇંગ્લૅન્ડમાં ભારતની મહિલા ક્રિકેટરોએ ટી-20 સિરીઝ 3-2થી જીતી લીધા પછી હવે વન-ડે શ્રેણીમાં જીતવાનું શરૂ કરી દીધું છે અને બુધવારે હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે નૅટ સિવર-બ્રન્ટની કૅપ્ટન્સીમાં રમેલી ઇંગ્લૅન્ડની ટીમને સિરીઝની પહેલી વન-ડેમાં દીપ્તિ શર્મા (Deepti Sharma)ના સુપર બૅટિંગ પર્ફોર્મન્સથી હરાવીને 1-0થી સરસાઈ લીધી ત્યાર બાદ દીપ્તિએ પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર સ્વીકારતી વખતે વન-હૅન્ડેડ શૉટ (One handed shot) માટેનો શ્રેય (credit) રિષભ પંતને આપતા કહ્યું હતું કે મેં નેટમાં વન-હૅન્ડેડ શૉટ માટે ખૂબ પ્રૅક્ટિસ કરી હતી. હું આ શૉટ રિષભ પંત (Rishabh Pant)ને આવા પ્રકારના શૉટ મારતો જોઈને શીખી છું.’ ભારતને જીતવા 259 રનનો મોટો લક્ષ્યાંક મળ્યો હતો.
ભારતીય બૅટર્સમાં દીપ્તિ શર્માના અણનમ 62 રન હાઇએસ્ટ હતા. તેણે 64 બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોરની મદદથી 62 રન કર્યા હતા અને છેક સુધી ક્રીઝ પર રહી હતી. આખી મૅચમાં (બન્ને ટીમની તમામ ખેલાડીઓમાં) એક જ સિક્સર ફટકારવામાં આવી હતી અને એ દીપ્તિએ ફટકારી હતી. પાંચમી વિકેટ માટે દીપ્તિ અને જેમાઇમા રૉડ્રિગ્સ (48 રન, 54 બૉલ, પાંચ ફોર) વચ્ચે 86 બૉલમાં 90 રનની ભાગીદારી થઈ હતી. આ પાર્ટનરશિપ જ બ્રિટિશ મહિલા ટીમને સૌથી વધુ ભારે પડી હતી.
Deepti Sharma Rishabh Pant – One handed sixes #DeeptiSharma #RishabhPant #ENGvIND #CricketTwitter pic.twitter.com/kfy3ajI9OE
— InsideSport (@InsideSportIND) July 17, 2025
આ ભાગીદારી દરમ્યાન એક તબક્કે દીપ્તિએ એક હાથે ફટકારેલા પાવરફુલ શૉટમાં બૉલને ડીપ મિડવિકેટના સ્થાનની ઉપરથી બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો. તેની આ વન-હૅન્ડેડ સિક્સરનો વીડિયો વાઇરલ થયો છે. દીપ્તિએ કહ્યું છે કે આ શૉટ મારવાની પ્રેરણા મને રિષભ પંત પાસેથી મળી છે. અમે આ પહેલાં ઇંગ્લૅન્ડમાં રમી ચૂક્યા છીએ. અમને અહીંની આબોહવા ખૂબ પસંદ છે.’
ત્રણ વન-ડેવાળી આ સિરીઝની બીજી મૅચ શનિવાર, 19મી જુલાઈએ લૉર્ડ્સમાં (બપોરે 3.30 વાગ્યાથી) રમાશે.