સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરોને ઇંગ્લૅન્ડમાં હવે બીજી મૅચ આ બે ખેલાડીઓએ જિતાડી…

બ્રિસ્ટૉલ: ઇંગ્લૅન્ડ સામે રમાતી પાંચ મૅચની ટી-20 સિરીઝમાં ભારતે શુક્રવારની પ્રથમ મૅચ 97 રનથી જીતી લીધા બાદ સોમવારે બીજી મૅચમાં ફરી વિજયી થઈને 2-0થી સરસાઈ મેળવી હતી.

પહેલી મૅચમાં કાર્યવાહક કેપ્ટન સ્મૃતિ મંધાના (112 રન), હર્લીન દેઓલ (43 રન) અને નવી સ્પિનર શ્રી ચરની (ચાર વિકેટ)એ વિજય અપાવ્યો ત્યાર પછી સોમવારે બીજી ટી-20માં જેમાઈમા રોડ્રિગ્સ (63 રન), અમનજોત કૌર (અણનમ 63 રન), વિકેટકીપર રિચા ઘોષ અણનમ (અણનમ 32 રન અને બે રનઆઉટ ) તેમ જ સ્પિનર શ્રી ચરની (બે વિકેટ)ના મુખ્ય યોગદાન હતા.

https://twitter.com/BCCIWomen/status/1940148872673923457

કેપ્ટન હરમનપ્રીત કૌર માથાની નજીવી ઈજામાંથી મુક્ત થયા બાદ ફરી રમવા આવી ગઈ છે. ભારતે (India) બૅટિંગ મળ્યા બાદ ચાર વિકેટે 181 રન કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત એક રન કરીને અને વાઇસ કેપ્ટન તથા શુક્રવારની સુપરસ્ટાર સ્મૃતિ મંધાના 13 રન કરીને આઉટ થઈ ગઈ હતી.

https://twitter.com/BCCIWomen/status/1940140109459861892

શેફાલી વર્મા (ત્રણ રન) પણ સસ્તામાં આઉટ થઈ જતાં એક સમયે ભારતનો સ્કોર ત્રણ વિકેટે માત્ર 31 રન હતો. જોકે જેમાઈમા અને અમનજોત વચ્ચે ચોથી વિકેટ માટે 93 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. તેમણે ટીમનો સ્કોર 124 રન પર પહોંચાડ્યો ત્યારે જેમાઈમા આઉટ થઈ હતી. ત્યાર બાદ અમનજોત અને રિચા ઘોષ વચ્ચે પાંચમી વિકેટ માટે 57 રનની અતૂટ પાર્ટનરશિપ થઈ હતી અને 20 ઓવરને અંતે ભારતનો દાવ 181/4ના સ્કોર પર બંધ રહ્યો હતો.

નૅટ સિવર-બ્રન્ટના સુકાનમાં ઇંગ્લૅન્ડે (England) પણ ખરાબ શરૂઆત કરી હતી. તેમણે 17 રનમાં પહેલી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ એકમાત્ર ટૅમી બ્યૂમૉન્ટ (54 રન)ની હાફ સેન્ચુરીને કારણે યજમાન ટીમનો સ્કોર 20 ઓવરને અંતે 157/7 રહ્યો હતો અને ભારતનો 24 રનથી વિજય થયો હતો.

https://twitter.com/BCCIWomen/status/1940150521698128231

ઑલરાઉન્ડર અમનજોત કૌર (Amanjot Kaur)ને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. હવે ત્રીજી મૅચ (T20) શુક્રવારે રાત્રે (11.05 વાગ્યાથી) ઓવલમાં રમાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button