આજે શ્રીલંકા સામે ટકરાશે ઇંગ્લેન્ડ, સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા બન્ને ટીમ માટે જીત જરૂરી
બેંગલૂરુ: આજે વર્લ્ડ કપમાં ઇગ્લેન્ડ અને શ્રીલંકાની ટીમ સામસામે ટકરાશે. આ મેચ બેંગલૂરુમાં ભારતીય સમય અનુસાર બપોરે બે વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી બંન્ને ટીમનું પ્રદર્શન અપેક્ષા અનુસાર રહ્યું નથી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇગ્લેન્ડ અને શ્રીલંકા અત્યાર સુધી ચાર મેચ રમી ચૂક્યા છે અને ફક્ત એક જ મેચમાં જીત મેળવી છે. વર્લ્ડ કપમાં પોઇન્ટ ટેબલમાં શ્રીલંકા બે પોઇન્ટ સાથે આઠમા અને ઇગ્લેન્ડ બે પોઇન્ટ અને ખરાબ રનરેટ સાથે નવમા નંબર પર છે.
જો બંન્ને ટીમોએ સેમિફાઇનલની રેસમાં ટકી રહેવું હશે તો આ મેચમાં જીત મેળવવી ખૂબ જ જરૂરી છે. જો કે શ્રીલંકા સામેની હારથી ઈંગ્લેન્ડની આશા લગભગ ખતમ થઈ જશે. ઈંગ્લેન્ડને દરેક વિભાગમાં સુધારો કરવાની જરૂર છે, ખાસ કરીને તેના બેટ્સમેનોએ આક્રમક બનવાની જરૂર છે. ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે અહીં રમાયેલી છેલ્લી મેચમાં કુલ ૬૭૨ રન બન્યા હતા.
ડેવિડ મલાન અને જો રૂટ સિવાય ઈંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન અત્યાર સુધી અપેક્ષા મુજબ રમી શક્યો નથી. ટીમને ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન જોસ બટલર, હેરી બ્રુક, સેમ કુરન, મોઈન અલી, ક્રિસ વોક્સ અને લિયામ લિવિંગસ્ટોન જેવા ખેલાડીઓ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તેમાંથી કોઈ સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડરોએ પણ અત્યાર સુધી નિરાશ કર્યા છે. રીસ ટોપ્લી આઠ વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડનો સૌથી સફળ બોલર હતો પરંતુ ફાસ્ટ બોલર ઇજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. લેગ સ્પિનર આદિલ રાશિદનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
બીજી તરફ, શ્રીલંકાને પણ છેલ્લી મેચમાં નેધરલેન્ડ્સ સામે પાંચ વિકેટથી મળેલી જીત દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઈજાના કારણે કેપ્ટન દાસુન શનાકા અને યુવા ઝડપી બોલર મતિશા પથિરાના વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયા છે. શ્રીલંકાએ પથિરાનાના સ્થાને અનુભવી એન્જેલો મેથ્યુઝને ટીમમાં સામેલ કર્યો છે.
શ્રીલંકાની સમસ્યા તેની નબળી બોલિંગ છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે ૪૨૮ રન, પાકિસ્તાન સામે ૩૪૫ અને ઑસ્ટ્રેલિયા સામે ૩૫.૨ ઓવરમાં ૨૧૫ રન આપ્યા હતા. શ્રીલંકાનો ટોપ ઓર્ડર બેટિંગમાં સારો દેખાવ કરી રહ્યો છે. સદિરા સમરવિક્રમા અને કુસલ મેન્ડિસે સદી ફટકારી છે જ્યારે પથુમ નિસાન્કા અને ચરિથ અસલંકાએ પણ પ્રભાવશાળી ઇનિંગ્સ રમી છે.