રુધરફર્ડ અને સ્પિનરો સામે ઇંગ્લૅન્ડ ઝૂક્યું, વેસ્ટ ઇન્ડિઝનો 30 રનથી વિજય…

વેસ્ટ ઈન્ડિઝના છ વિકેટે 196 રન, ઇંગ્લૅન્ડ 10/166
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે વેસ્ટ ઇન્ડિઝે (20 ઓવરમાં 6/196) ઇંગ્લૅન્ડ (19 ઓવરમાં 10/166)ને 30 રનથી હરાવીને ચાર પૉઇન્ટ સાથે ગ્રૂપ-સીમાં મોખરે સ્થાન મજબૂત કર્યું હતું. બૅટિંગમાં શેરફેન રુધરફર્ડ (76 અણનમ, 42 બૉલ, સાત સિક્સર, બે ફોર)એ ધબધબાટી બોલાવી હતી અને પછી બોલિંગમાં સ્પિનર્સે બ્રિટિશરોને જાળમાં ફસાવ્યા હતા.
ત્રણ સ્પિનર ગુડાકેશ મૉટીએ ત્રણ વિકેટ, રૉસ્ટન ચેઝે બે વિકેટ અને અકીલ હોસૈને એક વિકેટ લીધી હતી. છેક સુધી લડેલા સૅમ કરેનના અણનમ 43 રન બ્રિટિશ ટીમમાં હાઇએસ્ટ હતા.

એ પહેલાં, વેસ્ટ ઈન્ડિઝે બૅટિંગ મળ્યા બાદ શરૂઆતમાં બે વિકેટ ગુમાવ્યા પછી મિડલ ઓવર્સમાં અને ખાસ કરીને છેલ્લી પાંચ ઓવરમાં ચોગ્ગા-છગ્ગાની આતશબાજી સાથે 30,000-પ્લસ પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.
કૅરિબિયન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 196 રન કર્યા હતા અને ઇંગ્લૅન્ડને 197 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. કૅરિબિયન ટીમે પહેલા આઠ રનમાં બે વિકેટ ગુમાવી હતી. જોકે હેટમાયર (23 રન) અને રોસ્ટન ચેઝ (34 રન) બાદ શેરફેન રુધરફર્ડ અને જેસન હોલ્ડર (33 રન, 17 બૉલ, ચાર સિક્સર, એક ફોર)ની જોડીએ જોરદાર જમાવટ કરી હતી અને બ્રિટિશ બોલર્સની ખબર લઈ નાખી હતી.

રોવમેન પૉવેલ (14 રન) આઉટ થયા બાદ રુધરફર્ડ અને હોલ્ડરે ટીમની બાજી સંભાળી લીધી હતી અને 32 બૉલમાં 61 રનની ભાગીદારી કરી હતી. એ પહેલાં રૂધરફર્ડે પૉવેલ સાથે 29 બોલમાં 51 રનની પાર્ટનરશિપ કરી હતી. ઇંગ્લૅન્ડના બોલર્સમાં આદિલ રાશીદ અને જેમી ઓવર્ટને બે-બે વિકેટ મેળવી હતી.



