વાનખેડેમાં રુધરફર્ડ નામનું વાવાઝોડું, વેસ્ટ ઈન્ડિઝના છ વિકેટે 196 રન…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શરૂઆતમાં બે વિકેટ ગુમાવ્યા પછી મિડલ ઓવર્સમાં અને ખાસ કરીને છેલ્લી પાંચ ઓવરમાં ચોગ્ગા-છગ્ગાની આતશબાજી સાથે 30,000-પ્લસ પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા.
કૅરિબિયન ટીમે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 196 રન કર્યા હતા અને ઇંગ્લૅન્ડને 197 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
કૅરિબિયન ટીમે પહેલા આઠ રનમાં બે વિકેટ ગુમાવી હતી. જોકે હેટમાયર (23 રન) અને રોસ્ટન ચેઝ (34 રન) બાદ શેરફેન રુધરફર્ડ (76 અણનમ, 42 બૉલ, સાત સિક્સર, બે ફોર) અને જેસન હોલ્ડર (33 રન, 17 બૉલ, ચાર સિક્સર, એક ફોર)ની જોડીએ જોરદાર જમાવટ કરી હતી અને બ્રિટિશ બોલર્સની ખબર લઈ નાખી હતી.
રોવમેન પૉવેલ (14 રન) આઉટ થયા બાદ રૂધરફર્ડ (Rutherford) અને હોલ્ડરે ટીમની બાજી સંભાળી લીધી હતી અને 32 બૉલમાં 61 રનની ભાગીદારી કરી હતી. એ પહેલાં રૂધરફર્ડે પૉવેલ સાથે 29 બોલમાં 51 રનની પાર્ટનરશિપ કરી હતી.
ઇંગ્લૅન્ડ (England)ના બોલર્સમાં આદિલ રાશીદ અને જેમી ઓવર્ટને બે-બે વિકેટ મેળવી હતી.



