મુખ્ય દેશોની ટી-20 માં ઇંગ્લૅન્ડ 300 રન સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો...
સ્પોર્ટસ

મુખ્ય દેશોની ટી-20 માં ઇંગ્લૅન્ડ 300 રન સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો…

મૅન્ચેસ્ટર: બરાબર અગિયાર મહિના પહેલાં ભારત ટી-20માં જે વિશ્વવિક્રમ રચવાનું ચૂકી ગયું હતું એ ઇંગ્લૅન્ડે (England) શુક્રવારે અહીં સાઉથ આફ્રિકા (South Africa) સામેની મૅચમાં રચી દીધો હતો. ટી-20 ઇન્ટરનેશનલમાં ઇંગ્લૅન્ડ 300 રન સુધી પહોંચનાર પહેલો દેશ બન્યો છે.

ટી-20 ફોર્મેટમાં સૌથી મોટો ટીમ-સ્કોર (Biggest score) નોંધાવનાર દેશોમાં ઝિમ્બાબ્વે (4/344, ગામ્બિયા સામે) પહેલાં નંબરે અને નેપાળ (3/314, મોંગોલિયા સામે) બીજા નંબરે છે.

જોકે નાના દેશોના નામે બનેલા આ વિક્રમો ક્રિકેટના ટચૂકડા દેશો સામે બન્યા હોવાથી એ ગણતરીમાં ન લઈએ તો ક્રિકેટના મુખ્ય રાષ્ટ્રોમાં ઇંગ્લૅન્ડનો આ (6/304) વર્લ્ડ રેકોર્ડ છે.

https://twitter.com/Sportskeeda/status/1966589165056713027

ભારતનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો
2024ની 12મી ઑક્ટોબરે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 297 રન કર્યા હતા. ત્યારે ભારત ફક્ત ત્રણ રન માટે 300 રનનો મૅજિક ફિગર ચૂકી ગયું હતું.

ભારતના એ 297 રનમાં સંજુ સૅમસનના 111 રન, સૂર્યકુમારના 75 રન, હાર્દિક પંડ્યાના 47 રન અને રિયાન પરાગના 34 રન સામેલ હતા.

સિરીઝ 1-1થી બરાબરીમાં
સાઉથ આફ્રિકાએ તાજેતરમાં ઇંગ્લૅન્ડને વન-ડે સિરીઝમાં 2-1થી માત આપી ત્યાર પછી રમાઈ રહેલી ટી-20 શ્રેણી અત્યારે 1-1થી બરાબરીમાં થઈ ગઈ છે. બુધવારે સાઉથ આફ્રિકાએ પ્રથમ ટી-20માં ઇંગ્લૅન્ડને 14 રનથી હરાવ્યું હતું.

શુક્રવારે ઇંગ્લેન્ડનો 146 રનથી વિજય
શુક્રવારે બીજી ટી-20માં ઇંગ્લૅન્ડનો 146 રનથી વિજય થયો હતો. ઇંગ્લૅન્ડે સોલ્ટના આઠ સિક્સરની મદદથી બનેલા અણનમ 141 રન અને જૉસ બટલરના સાત છગ્ગા સાથે બનેલા 83 રન થકી બે વિકેટે 304 રન કર્યા પછી સાઉથ આફ્રિકાને 16.1 ઓવરમાં 158 રનના સ્કોર પર ઑલઆઉટ કરી દીધું હતું.

જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ તેમ જ લિઆમ ડૉસન, સૅમ કરૅન અને વિલ જૅકસે બે-બે વિકેટ લીધી હતી.

https://twitter.com/Cricketracker/status/1966733597953716695

ફિલ સૉલ્ટ ઇંગ્લૅન્ડનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન
શુક્રવારે ઇંગ્લૅન્ડે બે વિકેટ એ જે 304 રન કર્યા હતા એમાં ઓપનર ફિલ સૉલ્ટના 141 રન સામેલ હતા. તેણે આ 141 રન 60 બૉલમાં આઠ સિક્સર અને 15 ફોરની મદદથી કર્યા હતા.

સોલ્ટે ફક્ત 39 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. ઇંગ્લૅન્ડના બૅટ્સમેનોમાં આ ફાસ્ટેસ્ટ સદી છે. તેણે લિઆમ લિવિંગસ્ટનનો 42 બૉલની સદીનો બ્રિટિશ રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ પણ વાંચો…ફિલ સૉલ્ટ 1,000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ બ્રિટિશર…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button