
મૅન્ચેસ્ટરઃ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બુધવાર, 23મી જુલાઈએ (ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે) સિરીઝની ચોથી ટેસ્ટ (4th test)શરૂ થશે અને એમાં તેમ જ ત્યાર પછીની ઓવલની છેલ્લી ટેસ્ટમાં જો ભારતનો વિજય થશે તો નવો કૅપ્ટન શુભમન ગિલ (SHUBHMAN GILL) અવિસ્મરણીય સિદ્ધિ મેળવશે. આ મૅચ અને ત્યાર પછીની ઓવલની છેલ્લી મૅચ જીતીને તે ઑસ્ટ્રેલિયાના ગ્રેટેસ્ટ ક્રિકેટર અને સુકાની સર ડૉન બ્રેડમૅનની એક રીતે બરાબરી કરી શકશે.
મૅન્ચેસ્ટરમાં ભારતનો રેકૉર્ડ અત્યંત ખરાબ છે. આ શહેરના ઑલ્ડ ટ્રેફર્ડના મેદાન પર ભારત 1936ની સાલથી ટેસ્ટ-ક્રિકેટ રમે છે, પરંતુ અત્યાર સુધી એક પણ ટેસ્ટ નથી જીત્યું. અહીં ઇંગ્લૅન્ડ (England) સામે રમાયેલી નવમાંથી ચાર ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે અને બાકીની પાંચ ટેસ્ટ ડ્રૉમાં ગઈ છે.
છેલ્લે મૅન્ચેસ્ટરમાં છેક 2014માં ભારતનો એક દાવ અને 54 રનથી પરાજય થયો હતો.
ઇંગ્લૅન્ડ કોઈ ટેસ્ટ સિરીઝમાં હરીફ ટીમ સામે બે ટેસ્ટના તફાવતથી આગળ હોય, પરંતુ ત્યાર બાદ ઇંગ્લૅન્ડનો એ શ્રેણીમાં પરાજય થયો હોય એવું છેક 1936માં (ફક્ત એક જ વાર) બન્યું હતું. સર ડૉન બ્રેડમૅનના જમાનામાં (તેમની કૅપ્ટન્સીમાં) ત્યારે ઇંગ્લૅન્ડે પ્રથમ બે ટેસ્ટ જીતી લીધી ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાએ બાકીની ત્રણેય ટેસ્ટ જીતીને શ્રેણીમાં 3-2થી વિજય મેળવ્યો હતો.