ઓવલમાં ભારતનું રાજ, બ્રિટિશરોને ધોળે દિવસે તારા દેખાડ્યા…
ટીમ ઇન્ડિયાનો છ રનથી રોમાંચક વિજય: સિરાજનો પાંચ વિકેટનો તરખાટ, ક્રિષ્નાએ લીધી ચાર વિકેટ

લંડન: ભારતે અહીં ઇંગ્લૅન્ડ સામે અત્યંત રસાકસીવાળી છેલ્લી ટેસ્ટમાં ઐતિહાસિક અને અવિસ્મરણીય જીત મેળવીને સિરીઝ 2-2થી ડ્રો કરાવી હતી. ભારતીય બોલર્સે બ્રિટિશ બૅટ્સમેનને જીતની નજીક પહોંચ્યા પછી પણ નહોતા જીતવા દીધા અને તેમના હાથમાંથી વિજય આંચકી લીધો હતો. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પર બંને ટીમનો હક છે.
ઇંગ્લૅન્ડ (England)ની ટીમ 374 રનના ટાર્ગેટનો પડકાર પૂરેપૂરો નહોતી ઝીલી શકી અને ભારતે (India) ઓવલમાં 6 રનના વિક્રમી માર્જિનથી વિજય મેળવી લીધો હતો.

અત્યંત રસાકસીવાળી આ ટેસ્ટ મેચમાં ભારતની સાથે અને ટેસ્ટ ક્રિકેટનો વિજય થયો કહેવાય.
મોહમ્મદ સિરાજ (Siraj) આ મૅચનો સુપરહીરો સાબિત થયો. ક્રિસ વોક્સ (Chris WOAKES) ગંભીર ઈજાને કારણે છેલ્લા બૅટ્સમૅન તરીકે ખભામાં પ્લાસ્ટર લગાડીને પણ બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો, પરંતુ ગસ ઍટકિન્સનને સિરાજે ક્લીન બોલ્ડ કરીને ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો.

હાથમાં પ્લાસ્ટર હોવાને કારણે ક્રિસ વોક્સ બેટિંગ કરી શકે એવી હાલતમાં નહોતો, પરંતુ સામેના છેડા પરથી તેણે ઍટકિન્સનને થોડો સમય સાથ આપ્યો હતો. ક્રિસ વૉક્સે આ હાલતમાં બૅટિંગ કરવા આવીને ભૂતકાળમાં જડબા પર પાટો બાંધીને બોલિંગ કરવા આવેલા અનિલ કુંબલે અને તાજેતરમાં જ પગની સિરિયસ ઇંજરી છતાં લડાયક ભાવના બતાવીને પગમાં પાટા સાથે બૅટિંગ કરવા આવેલા રિષભ પંતની ઇનિંગ્સની યાદ અપાવી હતી.
ઇંગ્લેન્ડની ટીમ 374ના લક્ષ્યાંક સામે 367 રનના સ્કોર પર આઉટ થઈ જતાં ભારતનો છ રને રોમાંચક વિજય થયો હતો.

મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ચાર વિકેટ લીધી હતી. એક વિકેટ આકાશ દીપને મળી હતી. તેણે હેરી બ્રુક (111 રન)ને આઉટ કર્યો હતો. બ્રુકની અને જૉ રૂટ (105 રન)ની સદી પાણીમાં ગઈ હતી.
આ પણ વાંચો…યશસ્વીનું ખતરનાક સેલિબ્રેશન, બ્રિટિશ ફીલ્ડર વાંદરા જેવી ગુલાંટ મારીને બચ્યો…