ઓવલ ટેસ્ટ ભારે રસાકસીના તબક્કામાં...

ઓવલ ટેસ્ટ ભારે રસાકસીના તબક્કામાં…

સિરાજ-ક્રિષ્નાએ ચાર-ચાર વિકેટ લઈને બ્રિટિશરોને મોટી સરસાઈથી વંચિત રાખ્યા

લંડનઃ ભારતે અહીં છેલ્લી ટેસ્ટ (test)માં શુક્રવારના બીજા દિવસે બીજા દાવમાં પહેલી 10 ઓવરમાં એક વિકેટે 46 રન કર્યા હતા અને ત્યારે ઇંગ્લૅન્ડની લીડ ઉતારીને ભારત 24 રનથી આગળ હતું. કે. એલ. રાહુલ ફ્કત સાત રને વિકેટ ગુમાવી બેઠો હતો, પરંતુ આક્રમક મૂડમાં રમી રહેલા યશસ્વી જયસ્વાલના તેની વિકેટ વખતે 39 રન હતા જેમાં એક સિક્સર અને સાત ફોર સામેલ હતી. ઇંગ્લૅન્ડ સિરીઝમાં 2-1થી આગળ છે અને ભારતે 2-2ની બરાબરી માટે આ ટેસ્ટ જીતવી જ પડશે.

એ પહેલાં, ઇંગ્લૅન્ડ (England)ની ટીમ 247 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને તેમણે માત્ર 23 રનની સરસાઈ (lead) મેળવી હતી. હૅરી બ્રૂક 128 મિનિટની લડતમાં છેલ્લે 53 રને આઉટ થયો હતો. તેને સિરાજે ક્લીન બોલ્ડ કર્યો હતો અને એ સાથે બ્રિટિશ ટીમનો દાવ સમાપ્ત થયો હતો. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના, બન્નેએ ચાર-ચાર વિકેટ અને આકાશ દીપે એક વિકેટ લીધી હતી.

AP/PTI

ખભાની ઈજાને કારણે ક્રિસ વૉક્સ ગુરુવારે જ મૅચની બહાર થઈ ગયો હતો. શુક્રવારે ભારતના બીજા દાવની શરૂઆત પહેલાં દિવસમાં કુલ 13 વિકેટ (ચાર ભારતની અને નવ ઇંગ્લૅન્ડની) પડી હતી. એકંદરે ઇંગ્લૅન્ડની ટીમ પર ભારતના ત્રણેય પેસ બોલર હાવી થઈ ગયા હતા. કૅપ્ટન શુભમન ગિલે રવીન્દ્ર જાડેજાને માત્ર બે ઓવર બોલિંગ આપી હતી જેમાં તેને વિકેટ નહોતી મળી. જોકે બીજા સ્પિનર વૉશિંગ્ટન સુંદરને બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી.

સિરાજની આઠ ઓવરનો સ્પેલ બ્રિટિશ ટીમ માટે સૌથી ઘાતક બન્યો હતો, કારણકે એમાં સિરાજે એલબીડબ્લ્યૂમાં ત્રણ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં પચીસમી, 33મી અને 37મી ઓવર મોહમ્મદ સિરાજે કરી અને આ ત્રણ ઓવરમાં તેણે એક-એક વિકેટ લીધી. પહેલાં તેણે કાર્યવાહક સુકાની ઑલી પૉપને, ત્યાર બાદ મુખ્ય બૅટ્સમૅન જૉ રૂટને અને પછી જૅકબ બેથેલને પણ એલબીડબ્લ્યૂમાં શિકાર બનાવ્યો.

AP/PTI

એક તબક્કે ઇંગ્લૅન્ડનો સ્કોર લંચ વખતે 1/109 હતો, પરંતુ છેવટે તેઓ પોતાના ગઢ ગણાતા ઓવલના મેદાન પર 247 રનના સાધારણ સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા હતા. એ અગાઉ, ભારતનો પ્રથમ દાવ 224 રનના સ્કોર પર પૂરો થયો હતો. ગુરુવારના છેલ્લા સત્રમાં કરુણ નાયર (179 મિનિટમાં 57 રન) અને વૉશિંગ્ટન સુંદર (82 મિનિટમાં 26 રન)ની જોડીએ 16 ઓવર સુધી બ્રિટિશ બોલર્સને લડત આપી હતી, પણ શુક્રવારે પહેલી ચાર ઓવરમાં ભારતે માત્ર 20 રનમાં છેલ્લી ચારેય વિકેટ ગુમાવી દીધી હતી. ગસ ઍટક્નિસને પાંચ અને જૉશ ટન્ગે ત્રણ વિકેટ લીધી. ત્યાર બાદ ભારતીય પેસ બોલર્સ (સિરાજ, આકાશ, ક્રિષ્ના)ની આકરી કસોટી હતી જેમાં તેઓ સફળતાપૂર્વક પાર પડ્યા હતા.

ભારત સામેની છેલ્લી ટેસ્ટમાં ગુરુવારે પ્રથમ દિવસે કે. એલ. રાહુલને તેના 14 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કરનાર ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સ ડાબા ખભાની ગંભીર ઈજાને લીધે આ મૅચની બહાર થઈ ગયો છે. ગુરુવારે રમતની છેલ્લી પળોમાં તે કરુણ નાયરના શૉટમાં બૉલ રોકતી વખતે નીચે પડ્યો ત્યારે તેના ખભા પર વજન આવી ગયું હતું અને તે અસહ્ય દુખાવાને લીધે પૅવિલિયનમાં જતો રહ્યો હતો. ઈજાને કારણે બેન સ્ટૉક્સ આ મૅચમાં નથી એટલે ભારતને આ સ્થિતિમાં બૅટિંગમાં સારો લાભ મળી શકશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button