ગુરુવારથી છેલ્લી ટેસ્ટ: બીસીસીઆઈની મેડિકલ ટીમે બુમરાહને કહી દીધું કે…

ગુરુવારથી છેલ્લી ટેસ્ટ: બીસીસીઆઈની મેડિકલ ટીમે બુમરાહને કહી દીધું કે…

લંડન: અહીં ઓવલના ગ્રાઉન્ડ પર ગુરૂવાર, 31મી જુલાઈએ (બપોરે 3:30 વાગ્યાથી) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ (last test) મૅચનો ખરાખરીનો ખેલ શરૂ થશે. જોકે આ નિર્ણાયક મુકાબલા માટેનું ભારત (India)નું બોલિંગ આક્રમણ અત્યારથી જ નબળું થઈ ગયું છે, કારણકે જસપ્રીત બુમરાહ આ મૅચમાં નહીં રમે એવું જાણવા મળ્યું છે.

આકાશ દીપ કમબૅક કરશે
બુમરાહના સ્થાને છેલ્લી અત્યંત મહત્ત્વની ટેસ્ટમાં પેસ બોલર આકાશ દીપ ટીમમાં કમબૅક કરશે. ઇંગ્લૅન્ડ (England) આ સિરીઝમાં 2-1થી આગળ છે. હવે એકમાત્ર ટેસ્ટ બાકી છે. ભારત શ્રેણી જીતી તો નહીં શકે, પરંતુ છેલ્લી ટેસ્ટમાં વિજય મેળવીને શ્રેણી 2-2થી ડ્રો કરાવી શકે.

https://twitter.com/BCCI/status/1950036149306532130

બુમરાહ કેમ નથી રમવાનો?
ક્રિકેટને લગતી એક જાણીતી વેબસાઈટના અહેવાલ મુજબ બીસીસીઆઈ (BCCI)ની મેડિકલ ટીમે બુમરાહને હવે પછી થોડા દિવસ સખત આરામ કરવાની સલાહ આપી છે. ક્રિકેટ બોર્ડના આ તબીબી સ્ટાફ (Medical team)નું એવું કહેવું છે કે બુમરાહને પીઠમાં દુઃખાવો વધી ન જાય અને તે કરીઅર લંબાવી શકે એ હેતુથી તેને સંપૂર્ણ આરામ કરવાની અમે સલાહ આપી છે.

બુમરાહે પહેલાં જ ના પાડી હતી
મેડિકલ ટીમનો આ નિર્ણય આશ્ચર્ય અપાવે એવો નથી, કારણકે બુમરાહે આ સિરીઝની પહેલાં જ જાહેર કરી દીધું હતું કે તે ઇંગ્લૅન્ડમાં તમામ પાંચ ટેસ્ટ મૅચ નહીં રમે. તેણે કેપ્ટન્સી સ્વીકારવાની ના પાડવાની સાથે સિલેક્ટરોને એવું પણ કહ્યું હતું કે તે ફક્ત ત્રણ ટેસ્ટ રમશે.

બીજી ટેસ્ટમાં બુમરાહ વિના પણ ભારત જીતેલું
સિરીઝની પ્રથમ ટેસ્ટમાં બુમરાહ રમ્યો હતો. બીજી ટેસ્ટમાંથી તેણે આરામ લીધો હતો. એ બીજી ટેસ્ટમાં ભારતે બુમરાહ વિના પણ ટેસ્ટ મૅચ જીતી લીધી હતી. શુભમન ગિલની ડબલ સેન્ચુરી (269 રન) અને સેન્ચુરી (161 રન)વાળી એ ટેસ્ટમાં આકાશ દીપે કુલ ૧૦ વિકેટ અને મોહમ્મદ સિરાજે કુલ સાત વિકેટ લીધી હતી. બુમરાહ સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમ્યો હતો પણ હવે નિર્ણાયક ટેસ્ટમાં નહીં રમે.આ સિરીઝમાં બુમરાહ અને સિરાજ 14-14 વિકેટ સાથે ભારતીય બોલર્સમાં અગ્રેસર છે.

બુમરાહના નામે બે અણગમતા વિક્રમ બન્યા
મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટ માટેની પિચ સ્લો હતી તેમ જ બૅટિંગ માટે માફક આવે એવી સપાટ હતી. એવી પિચ પર બુમરાહે પ્રથમ દાવમાં 33 ઓવર બોલિંગ કરી હતી જેમાં તેને 112 રનમાં બે વિકેટ મળી હતી. ટેસ્ટમાં કોઈ એક દાવમાં બુમરાહે પહેલી જ વખત 33 ઓવર બોલિંગ કરી. એટલું જ નહીં, એક દાવમાં તેની બોલિંગમાં 100 કે 100થી વધુ રન બન્યા હોય એવું પણ તેની કારકિર્દીમાં પહેલી જ વખત બન્યું.

ગૌતમ ગંભીરે નિવેદન આપવામાં ઉતાવળ કરેલી?
ભારતીય બૅટ્સમેનોએ ચોથી ટેસ્ટ ડ્રો કરાવી ત્યાર બાદ હેડ-કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે બુમરાહ ઓવલની છેલ્લી ટેસ્ટમાં રમશે. જોકે બે દિવસ બાદ નિર્ણય લેવાયો કે બુમરાહ આ અંતિમ ટેસ્ટમાં નહીં રમે.

ભારતીય ખેલાડીઓ હાઈ કમિશનરની ઑફિસમાં
દરમ્યાન, ભારતીય ટીમના ખેલાડીઓને બે દિવસ પહેલાં લંડનમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા જ્યાં ખેલાડીઓએ હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને તેમ જ ડેપ્યુટી હાઈ કમિશનર સુજિત ઘોષને મીટિંગ દરમ્યાન ઑટોગ્રાફવાળા બૅટ ભેટ આપ્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button