રાહુલ-ગિલનો વળતો જવાબઃ રવિવારે કશમકશ...

રાહુલ-ગિલનો વળતો જવાબઃ રવિવારે કશમકશ…

મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રૅફર્ડ (old Trafford)માં શનિવારે ચોથી ટેસ્ટ (fourth Test)માં ચોથા દિવસે ભારતે (india) બીજા દાવમાં શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દીધી ત્યાર પછી ત્રીજી વિકેટની મજબૂત ભાગીદારી સાથે બ્રિટિશરોને જોરદાર વળતો જવાબ આપ્યો હતો. રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર બે વિકેટે 174 રન હતો અને હજી સરસાઈ ઉતારવા ભારતે બીજા 137 રન કરવાના બાકી હતા. એ જોતાં, રવિવારે ટીમ ઇન્ડિયા જો આ મૅચને ડ્રૉ કરાવવામાં સફળ થશે તો 148 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની અસાધારણ ડ્રૉ મૅચોમાં આ મુકાબલાનો સમાવેશ અચૂક થશે. ઇંગ્લૅન્ડ પાંચ મૅચની સિરીઝમાં 1-2થી આગળ છે.

ઓપનર કે. એલ. રાહુલ (87 નૉટઆઉટ, 210 બૉલ, આઠ ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (78 નૉટઆઉટ, 167 બૉલ, દસ ફોર) યાદગાર ઇનિંગ્સ રમી રહ્યા છે અને હવે તેઓ તેમ જ બીજા બૅટ્સમેનો ભારતને બચાવી શકશે કે કેમ એ રવિવારના અંતિમ દિવસે જોવું રહ્યું, કારણકે લંચ પહેલાંનું પ્રથમ સત્ર અત્યંત રસાકસીભર્યું રહેશે.

AP/PTI

ઇંગ્લૅન્ડ (England)ના પાંચ બોલરના આક્રમણને રાહુલ-ગિલની જોડીએ નાકામિયાબ બનાવ્યું હતું. તેમની ભાગીદારી યશસ્વી જયસ્વાલ (0) અને સાઇ સુદર્શન (0)ની વિકેટ બાદ ઝીરોના સ્કોર પરથી શરૂ થઈ હતી અને તેઓ ટીમના સ્કોરને રમતના અંત સુધીમાં 2/174 રન સુધી લઈ ગયા હતા.

ભારતનો બીજો દાવ હજી તો માંડ શરૂ થયો ત્યાં પ્રથમ ઓવરમાં ક્રિસ વૉક્સે પાંચમા બૉલમાં યશસ્વી (0)ને અને છઠ્ઠા બૉલમાં સાઇ સુદર્શન (0)ને આઉટ કરી દીધો હતો. ચોથા નંબરનો ગિલ ઓપનર રાહુલ સાથે વહેલો જોડાઈ ગયો હતો. આ સ્થળનો ઇતિહાસ છે કે ભારતીયો અહીં ક્યારેય ટેસ્ટ નથી જીતી શક્યા. આ મૅચ ડ્રૉમાં જશે તો પણ ભારત માટે ચમત્કાર કહેવાશે.

એ પહેલાં, ઇંગ્લૅન્ડે 7/544ના સ્કોર પરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને 563 રનના સ્કોર પર જ આઠમી વિકેટ ગુમાવી હતી. લિઆમ ડૉસનને બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે 65 બૉલમાં 26 રન કર્યા હતા અને કૅપ્ટન બેન સ્ટૉક્સ સાથે 35 રનની ભાગીદારી કરી હતી. ભૂતપૂર્વ સુકાની જૉ રૂટ (150 રન) પછી કૅપ્ટન બેન સ્ટૉક્સ (141 રન, 198 બૉલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) પણ સદી ફટકારવામાં સફળ થયો હતો. તેણે સિરાજના બૉલમાં ફોર ફટકારીને 14મી સદી પૂરી કરી હતી.

ઇંગ્લૅન્ડનો પ્રથમ દાવ 669 રનના તોતિંગ સ્કોર પર પૂરો થયો હતો અને તેમણે 311 રનની મોટી સરસાઈ લીધી હતી. બેન સ્ટૉક્સ 141 રનના પોતાના સ્કોર પર જાડેજાના બૉલમાં સુદર્શનના હાથમાં કૅચઆઉટ થયો હતો. જાડેજાએ કુલ ચાર, વૉશિંગ્ટને બે, બુમરાહે પણ બે તેમ જ કંબોજ અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી. ભારત માટે જીતવું મુશ્કેલ છે, પણ હવે મૅચને ડ્રૉમાં લઈ જવા ભારતીય બૅટ્સમેનોએ રનનો ઢગલો કરવા કમર કસવી પડશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button