
મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડમાં સિરીઝની ચોથી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ)ના બીજા દિવસે રિષભ પંતે બ્રિટિશરોને જોરદાર લડત આપી ત્યાર બાદ ભારત (INDIA)નો પ્રથમ દાવ 358 રનના સ્કોર પર પૂરો થયો હતો અને પછી યજમાન ઇંગ્લૅન્ડે વળતી લડત આપીને રમતના અંત સુધીમાં બે વિકેટે 225 રન કર્યા હતા. ઑલી પૉપ 20 રને અને જૉ રૂટ 11 રને રમી રહ્યો હતો. ભારત વતી એક વિકેટ પીઢ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ અને એક વિકેટ નવોદિત પેસ બોલર અંશુલ કંબોજે લીધી હતી.
હજી આ મૅચમાં ત્રણ દિવસ બાકી છે. બ્રિટિશ ટીમ (England) ભારતથી ફક્ત 133 રન પાછળ છે. ભારતીય બોલર્સ શુક્રવારે તેમને કેટલા રનમાં ઑલઆઉટ કરશે એના પરથી મૅચનું ભાવિ નક્કી થશે. ભારતનો પ્રથમ દાવ પૂરો થયા બાદ ઇંગ્લૅન્ડના ઓપનર્સ ઝૅક ક્રૉવ્લી (84 રન, 113 બૉલ, એક સિક્સર, તેર ફોર) અને બેન ડકેટ (94 રન, 100 બૉલ, તેર ફોર)ની જોડીએ સાવચેતીથી અને સમજદારીપૂર્વક દાવની શરૂઆત કરી હતી. તેમની વચ્ચે 195 બૉલમાં 166 રનની ભાગીદારી થઈ હતી. જોકે બન્ને ઓપનર સદી ચૂકી ગયા હતા. ઇંગ્લૅન્ડે પ્રથમ વિકેટ છેક 166મા રન પર ગુમાવી. ઝૅક ક્રૉવ્લીને તેના 84મા રને રવીન્દ્ર જાડેજાએ સ્લિપમાં કે. એલ. રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ થોડી વાર પછી બેન ડકેટ છ રન માટે સાતમી સેન્ચુરી ચૂકી ગયો હતો.
કંબોજની પહેલી વિકેટ, ડકેટને સદી ન કરવા દીધી
હરિયાણાના 24 વર્ષના પેસ બોલર અંશુલ કંબોજે (Anshul Kamboj) કરીઅરની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી. તેણે બ્રિટિશ ઓપનર બેન ડકેટને કાર્યવાહક વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ડકેટે 94 રન કર્યા હતા અને છ રન માટે સાતમી સદી ચૂકી ગયો હતો. ઇંગ્લૅન્ડનો સ્કોર ત્યારે બે વિકેટે 198 રન હતો.
બપોરે ભારતની વિકેટ ટપોટપ પડી
ભારતે પ્રથમ દિવસે ચાર વિકેટે 264 રન કર્યા બાદ બીજો દિવસ ભારત માટે આંચકા સાથે શરૂ થયો. રવીન્દ્ર જાડેજા બુધવારના 19 રનમાં ફક્ત એક રન ઉમેરીને આઉટ થયો હતો. જોફ્રા આર્ચરના બૉલમાં બીજી સ્લિપમાં હૅરી બ્રૂકે તેનો ડાઇવિંગ કૅચ ઝીલ્યો હતો. જોકે ત્યાર બાદ શાર્દુલ ઠાકુરે (30 નૉટઆઉટ) બે ફોર ફટકારી હતી. તેની સાથે વૉશિંગ્ટન સુંદર જોડાયો હતો. જાડેજાની વિકેટ વખતે ભારતનો સ્કોર 5/266 હતો. ટીમ ઇન્ડિયાની 400 રન જેટલા મોટા ટોટલની આશા ત્યારે જ ઘટી ગઈ હતી.
પ્રેક્ષકોએ પંતને જોરદાર વેલકમ આપ્યું
લડાયક વૃત્તિનો વાઇસ-કૅપ્ટન રિષભ પંત પગની ગંભીર ઈજા છતાં પાછો બૅટિંગ કરવા આવ્યો હતો. શાર્દુલે બ્રિટિશ બોલર્સને જોરદાર લડત આપીને 88 બૉલમાં 41 રન કર્યા બાદ કૅપ્ટન બેન સ્ટૉક્સના બૉલમાં વિકેટ ગુમાવી ત્યાર બાદ પંત બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો અને ધીમે-ધીમે ચાલીને પિચ પર પહોંચ્યો ત્યારે પ્રેક્ષકોએ તાળી પાડીને તેનું સ્વાગત કર્યું હતું. તે લંચ વખતે વધુ બે રન કરીને 39 રને નૉટઆઉટ હતો. ત્યારે ભારતનો સ્કોર 6/321 હતો. જોકે લંચ બાદ તે આઉટ થયો હતો.
પંતના પગને ફરી નિશાન બનાવાયો
પંત જમણા પગની ગંભીર ઈજા છતાં પાછો બૅટિંગ કરવા આવ્યો ખરો, પરંતુ બ્રિટિશ બોલર્સ `જેન્ટલમૅન્સ ગેમ’ની ભાવનાને નજરઅંદાજ કરીને પંતના ઈજાવાળા પગને ટાર્ગેટ બનાવી રહ્યા છે. કૅપ્ટન બેન સ્ટૉક્સના એક યૉર્કરમાં પંત શૉટ ચૂકી ગયો હતો અને બૉલ તેને પગમાં જ્યાં ઘા છે ત્યાં જરાક માટે વાગતાં રહી ગયો હતો. વૉશિંગ્ટન 90 બૉલમાં બનાવેલા 27 રન કરીને અને નવોદિત અંશુલ કંબોજ શૂન્યમાં આઉટ થયો હતો. તેના પછી પંતે 349 રનના સ્કોર પર અને બુમરાહે 358મા રને છેલ્લી વિકેટ ગુમાવી હતી.
ભારતના 358 રનમાં પંતના લડાયક 54 રન ઉપરાંત યશસ્વીના 58 રન, સુદર્શનના 61 રન, રાહુલના 46 રન, શાર્દુલના 41 રન, વૉશિંગ્ટનના 27 રન તથા જાડેજાના 20 રનનું યોગદાન હતું. કૅપ્ટન ગિલ બુધવારે 12 રન કરીને આઉટ થઈ ગયો હતો. ભારતને એક્સ્ટ્રામાં 30 રન મળ્યા હતા. બેન સ્ટૉક્સે આઠ વર્ષમાં પહેલી જ વાર ટેસ્ટના દાવમાં પાંચ વિકેટ લીધી હતી. બેન સ્ટૉક્સે પાંચ ઉપરાંત જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ લીધી હતી.
જગદીશનને ઇંગ્લૅન્ડ બોલાવાયો
ઈજાગ્રસ્ત રિષભ પંત મૅન્ચેસ્ટરની વર્તમાન ટેસ્ટમાં તેમ જ પછીની છેલ્લી ટેસ્ટમાં વિકેટકીપિંગ નહીં કરી શકે એટલે તેના સ્થાને મોટા ભાગે ધ્રુવ જુરેલ વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. જોકે વધુ એક વિકેટકીપરને સ્ક્વૉડમાં રાખવાના હેતુથી તામિલનાડુના એન. જગદીશનને ઇંગ્લૅન્ડ બોલાવવામાં આવ્યો છે. અગાઉ ઇશાન કિશનનું નામ બોલાતું હતું, પણ તે હજી ફિટ ન હોવાથી હવે જગદીશનનું નામ ફાઇનલ થયું છે.
ખાસ કરીને રિષભ પંત (54 રન, 295 મિનિટ, 75 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની લડાયક ઇનિંગ્સ બદલ ભારતનો આ દાવ સુવર્ણ અક્ષરે લખાશે. પંતને બુધવારે પગમાં ફ્રૅક્ચર થયું હતું અને તે અંગૂઠો તૂટી જવા છતાં ગુરુવારે પાછો બૅટિંગમાં આવ્યો હતો.