બોલર્સ ન ફાવ્યા, હવે બૅટ્સમેનોએ ભારતને બચાવવાનું છે...

બોલર્સ ન ફાવ્યા, હવે બૅટ્સમેનોએ ભારતને બચાવવાનું છે…

ભારતના 358 રન સામે ઇંગ્લૅન્ડના 7/544ઃ બ્રિટિશરોની 186 રનની સરસાઈ

મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડ (England) સામેની ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી માટેની પાંચ મૅચની ટેસ્ટ સિરીઝમાં ચોથી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી)માં શનિવારે ચોથો દિવસ છે જે આખી સિરીઝ માટે નિર્ણાયક સાબિત થઈ શકે, કારણકે પહેલા દાવમાં ભારતના 358 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે શુક્રવારની ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં એક સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 544 રન કર્યા હતા અને તેઓ ભારતથી 186 રન આગળ હતા. હવે શનિવારે બ્રિટિશરોની કુલ સરસાઈ કેટલી રહેશે અને પછી ભારતની બીજા દાવની બૅટિંગ કેવી રહેશે એ જોવું રહ્યું. શુક્રવારની ત્રીજા દિવસે બ્રિટિશ ટીમે પાંચ વિકેટના ભોગે 319 રન કર્યા હતા જે જોતાં પિચ બૅટિંગ માટે ઘણી સારી છે.

જો બ્રિટિશ ટીમ 200થી 250 રનની લીડ (lead) લેશે તો ટીમ ઇન્ડિયાએ પણ રનનો ઢગલો કરવો પડશે અને કુલ 500-પ્લસ રન કરીને યજમાનોને જીતવા માટે પડકાર ફેંકવો પડશે. એ સ્થિતિમાં મૅચનું ત્રણમાંથી કંઈ પણ પરિણામ (ભારતની જીત, હાર કે ડ્રૉ) આવી શકે. જોકે બીજા દાવમાં ભારતીયો સસ્તામાં આઉટ થઈ જશે તો ઇંગ્લૅન્ડ 3-1થી સિરીઝ (series)ની ટ્રોફી પર કબજો કરી જ લેશે.

AP/PTI

જૉ રૂટ (150 રન, 248 બૉલ, 14 ફોર) શુક્રવારનો હીરો હતો. તેણે 38મી ટેસ્ટ સદી ફટકારી હતી. તેની વિકેટ રવીન્દ્ર જાડેજાએ લીધી હતી. તેને કાર્યવાહક વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ઇંગ્લૅન્ડના ટોટલમાં ઝૅક ક્રૉવ્લીનું 84 રનનું, બેન ડકેટનું 94 રનનું, ઑલી પૉપનું 71 રનનું અને એક તબક્કે ઈજાને લીધે પિચ પર બેસી પડેલા બેન સ્ટૉક્સનું નૉટઆઉટ 77 રનનું યોગદાન છે. ભારત વતી વૉશિંગ્ટન સુંદરે (ઉપરાઉપરી બે આંચકા સાથે લીધેલી) બે વિકેટ, જાડેજાએ પણ બે વિકેટ તેમ જ બુમરાહ, કંબોજ, સિરાજે એક-એક વિકેટ લીધી છે.

Emirates Old Trafford

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button