
મૅન્ચેસ્ટરઃ ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન જૉ રૂટે (150 રન, 248 બૉલ, 14 ફોર) શુક્રવારે ટેસ્ટમાં સૌથી વધુ રન કરનાર બૅટ્સમેનોમાં ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગ (Ponting)ને પાર કરી લીધો હતો અને હવે રૂટથી એકમાત્ર સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) આગળ છે. રૂટ અહીં ભારત સામેની ચોથી ટેસ્ટમાં ત્રીજા દિવસે 13,379 રનના આંકડા પર પહોંચ્યો ત્યારે તેણે પૉન્ટિંગના 13,378 રનના આંકડાને પાછળ રાખી દીધો હતો અને બીજા ક્રમે ઠરીઠામ થયો હતો. સચિનના 15,921 રન 148 વર્ષની ટેસ્ટ ક્રિકેટમાં રમી ચૂકેલા તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ છે અને રૂટ તેનાથી માત્ર 2,500 જેટલા રન પાછળ છે.
હાલમાં રૂટના નામે 13,409 રન છે.
નવાઈની વાત એ છે કે રૂટે સૌથી વધુ રનકર્તાઓની યાદીમાં સૌથી પહેલાં તો રાહુલ દ્રવિડ (13,288)ને ઓળંગ્યો હતો અને પછી તેણે સાઉથ આફ્રિકાના જૅક કૅલિસ (13,289)ને પણ પાર કરી લીધો હતો. ત્યાર બાદ તેણે પૉન્ટિંગ (Ponting)ની સિદ્ધિને ઓળંગીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું. જૉ રૂટે 2012માં નાગપુરમાં ટેસ્ટ કરીઅર શરૂ કરી હતી. ત્યારે તેણે 73 રનના સ્કોર સાથે કારકિર્દીને જોરદાર શરૂઆત અપાવી હતી.

એ પહેલાં, જૉ રૂટે એશિયાના જાયન્ટ ક્રિકેટ-રાષ્ટ્ર ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારાઓમાં ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પાછળ રાખી દીધો હતો. સ્મિથે ભારત વિરુદ્ધ 11 ટેસ્ટ સદી ફટકારી છે, જ્યારે રૂટે શુક્રવારે ભારત સામે 12મી સદી નોંધાવી હતી.કુલ ટેસ્ટ સદી ફટકારનારાઓમાં જૉ રૂટ શુક્રવારે 38મી સદી સાથે શ્રીલંકાના કુમાર સંગકારાની બરાબરીમાં આવી ગયો હતો. હવે ત્રણ જ બૅટ્સમેન રૂટથી આગળ છેઃ સચિન (51), કૅલિસ (45) અને પૉન્ટિંગ (41).