સ્પોર્ટસ

ભારતને 193 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો, પણ 58 રનમાં ગુમાવી ચાર વિકેટ…

લંડનઃ લૉર્ડ્સ (Lord’s)ની ત્રીજી ટેસ્ટમાં રવિવારે ચોથા દિવસે ઇંગ્લૅન્ડનો બીજો દાવ 192 રનના સ્કોર પર પૂરો કરી નાખ્યા બાદ ભારતે (India) 193 રનના લક્ષ્યાંક સામે રમતના અંત સુધીમાં ફક્ત 58 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે હવે સોમવારના છેલ્લા દિવસે જીતવા બાકીના 135 રન કરવાના બાકી છે, જ્યારે બ્રિટિશરોએ ફક્ત છ વિકેટ લેવાની બાકી છે.

ભારતે માત્ર પાંચ જ રનના સ્કોર પર યશસ્વી જયસ્વાલ(0)ની વિકેટ ગુમાવી દીધી હતી. 41 રનના કુલ સ્કોર પર કરુણ નાયર 14 રન કરીને આઉટ થઈ ગયો હતો. તેની કરીઅર પર હવે લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

53 રનના કુલ સ્કોર પર કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) છ રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. બીજી ટેસ્ટના સુપરહીરો ગિલને બ્રાયડન કાર્સે એલબીડબ્લ્યૂ કર્યો હતો.

રમત પૂરી થવાને થોડી વાર બાકી હતી ત્યારે નાઇટ-વૉચમૅન આકાશ દીપને બેન સ્ટૉક્સે તેના એક રનના સ્કોર પર (ભારતના 4/58)ના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો. કે. એલ. રાહુલ 33 રને રમી રહ્યો હતો.

એ પહેલાં, બ્રિટિશરોને આ પિચ પર બીજા દાવમાં બૅટિંગ કરવાનું મુશ્કેલ પડ્યું એ જોતાં ભારત માટે જીતવું અઘરું થઈ ગયું છે. ઇંગ્લૅન્ડના બીજા દાવમાં વૉશિંગ્ટન સુંદરે ચારેય વિકેટમાં બૅટ્સમેન (રૂટ, સ્ટૉક્સ, જૅમી સ્મિથ, બશીર)ને ક્લીન બોલ્ડ કર્યા હતા. બુમરાહ-સિરાજે બે-બે વિકેટ અને નીતીશ-આકાશે એક-એક વિકેટ લીધી. ઇંગ્લૅન્ડની ટીમમાં જૉ રૂટના 40 રન હાઇએસ્ટ હતા. પહેલા દાવમાં બન્ને ટીમના 387-387 રન હતા. ટેસ્ટના પહેલા ત્રણ દાવમાં કુલ 12 પ્લેયર ક્લીન બોલ્ડ થયા. 1955ની સાલ પછી આવું પહેલી વાર બન્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button