ઇંગ્લૅન્ડે ઇલેવન જાહેર કરી, પણ ભારતીય ટીમ હજી અવઢવમાં…
કુલદીપને રમાડાશે?: એજબૅસ્ટનમાં ભારત આઠમાંથી સાત ટેસ્ટ હાર્યું, એક મૅચ ડ્રૉ

એજબૅસ્ટનઃ ઇંગ્લૅન્ડે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી હેઠળ બુધવારે શરૂ થનારી બીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી) માટેની પ્લેઇંગ-ઇલેવનમાં કોઈ ફેરફાર નથી કર્યો, પરંતુ ભારતીય ટીમ હજી મૂંઝવણમાં છે, કારણકે જસપ્રીત બુમરાહ (BUMRAH) વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે બીજી ટેસ્ટમાંથી આરામ લેશે કે રમવાનું ચાલુ રાખશે એ હજી મંગળવારે રાત સુધી નક્કી નહોતું. બીજું, એજબૅસ્ટન (EDGBASTON)ની પિચ પણ બૅટિંગ માટે સ્વર્ગ સમાન હોવાથી આ મૅચમાં બે સ્પિનરને રમાડવા કે એક જ એ પણ નક્કી નહોતું. રવીન્દ્ર જાડેજાની સાથે કુલદીપ યાદવ (KULDEEP YADAV)ને રમાડવામાં આવશે એવી પાકી સંભાવના છે.
ઇંગ્લૅન્ડે પેસ બોલર જોફ્રા આર્ચરને રમાડવાનું નક્કી કર્યું હતું, પણ તે અંગત કારણસર પરિવાર પાસે પહોંચી ગયો હોવાથી કૅપ્ટન બેન સ્ટૉક્સ અને કોચ બ્રેન્ડન મૅકલમે પ્રથમ ટેસ્ટની જ ઇલેવન જાળવી રાખી છે. એજબૅસ્ટનના બર્મિંગમ સ્ટેડિયમમાં ભારત 1967ની સાલથી ટેસ્ટ-ક્રિકેટ રમે છે. આ સ્થળે ભારતીયો કુલ આઠ ટેસ્ટ રમ્યા છે જેમાંથી સાત ટેસ્ટમાં ભારતનો પરાજય થયો છે અને બાકીની (1986ની) એક મૅચ ડ્રૉમાં ગઈ છે.
છેલ્લે આ ગ્રાઉન્ડ પર ભારતનો ઇંગ્લૅન્ડ સામે સાત વિકેટે પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડે ત્રણ વિકેટે 378 રનનો તોતિંગ લક્ષ્યાંક મેળવી લીધો હતો. ત્યારે પણ બેન સ્ટૉક્સ કૅપ્ટન હતો અને બીજા દાવમાં જૉ રૂટ (142 અણનમ) અને જૉની બેરસ્ટૉ (114 અણનમ)ની સદીની મદદથી ઇંગ્લૅન્ડ જીતી ગયું હતું. બન્નેને મેન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો, જ્યારે સિરીઝ 2-2થી ડ્રૉમાં જતાં બુમરાહ મૅન ઑફ ધ સિરીઝ બન્યો હતો.
આપણ વાંચો : ભારતીય બોલિંગ આક્રમણમાં વિવિધતાનો અભાવ ચિંતાજનક: ગ્રેગ ચેપલ…