ભારતની છ `આકાશ મિસાઇલે’ ઇંગ્લૅન્ડને તારાજ કર્યું…
આકાશ દીપનો છ વિકેટનો તરખાટઃ સ્ટૉક્સને પંત-જાડેજા-સુંદરની ત્રિપુટીએ જાળમાં આબાદ ફસાવ્યો

એજબૅસ્ટનઃ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજ છ વિકેટ લઈને સુપરસ્ટાર બન્યો હતો, પરંતુ એ જ ઇનિંગ્સમાં ચાર વિકેટ લેનાર બીજા પેસ બોલર આકાશ દીપે (Akash Deep) રવિવારે વધુ અસરદાર પર્ફોર્મ કરીને કમાલ કરી નાખી હતી. તેણે છ વિકેટ લઈને (આખી મૅચમાં કુલ 10 વિકેટ લઈને) બ્રિટિશરોની બોલતી બંધ કરી દીધી હતી. આરામ ફરમાવી રહેલા જસપ્રીત બુમરાહને બદલે આકાશને આ મૅચમાં રમવા મળ્યું અને તેણે ભારતને જિતાડીને બુમરાહની ખોટ જરા પણ ન વર્તાવા દીધી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાન પર ભારતે આકાશ મિસાઇલનો મારો ચલાવીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના અનેક મથકોને નષ્ટ કરી નાખ્યા હતા. એજબૅસ્ટનમાં આકાશ દીપે વારંવાર મિસાઇલ જેવા હુમલા કરીને છ મહત્ત્વની વિકેટો લીધી હતી.

ભારતે આ ટેસ્ટ 336 રનના વિક્રમી માર્જિનથી જીતી લીધી. પ્રથમ દાવમાં ભારતે (India) 587 રન કર્યા હતા જેના જવાબમાં બ્રિટિશરો 407 રન કરી શક્યા હતા. ભારતે બીજો દાવ 427/6ના સ્કોર પર ડિક્લેર કરીને બ્રિટિશરોને 608 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. બેન સ્ટૉક્સની ટીમ બીજા દાવમાં 271 રનના સ્કોર પર આઉટ થઈ હતી. શુભમન ગિલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. સિરાજે (ડાબે) પહેલા દાવમાં છ અને આકાશે બીજા દાવમાં છ વિકેટ લીધી.
જોકે આ મૅચની સૌથી મહત્ત્વની વિકેટ કૅપ્ટન બેન સ્ટૉક્સ (Ben Stokes)ની કહી શકાય, કારણકે તે વાઇસ-કૅપ્ટન રિષભ પંત તેમ જ રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરે ભેગા થઈને બિછાવેલી જાળમાં આબાદ ફસાઈ ગયો હતો અને વિકેટ ગુમાવી બેઠો હતો.
સ્ટૉક્સ 94 મિનિટ સુધી ક્રીઝમાં ટક્યો હતો અને તેણે છ ફોરની મદદથી 72 બૉલમાં 33 રન કર્યા હતા ત્યારે 73મા બૉલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. બન્યું એવું કે લંચ અગાઉ થોડી ક્ષણો પહેલાં કૅપ્ટન શુભમન ગિલે નીતીશ રેડ્ડીને ઓવર આપી હતી. નીતીશે જમ્પર ઉતારીને અમ્પાયરને આપી પણ દીધું હતું, પરંતુ લંચ પહેલાં બને એટલી વધુ ઓવર થઈ શકે એ હેતુથી ગિલે નિર્ણય બદલીને એ ઓવર માટે વૉશિંગ્ટનને બોલાવ્યો હતો. વૉશિંગ્ટનની એ પ્રથમ ઓવર હતી અને એ ઓવરમાં બેન સ્ટૉક્સ ખૂબ માનસિક દબાણમાં રમ્યો હતો. ઓવરના અંતિમ બૉલ પહેલાં પંતે વૉશિંગ્ટનને કહ્યું કે તું બેન સ્ટૉક્સને એક રન લેવા દેજે કે જેથી પછીની જાડેજાની ઓવરમાં તે સ્ટ્રાઇક પર આવે. જોકે એવું નહોતું બન્યું. સ્ટૉક્સ સ્ટ્રાઇક પર પાછો નહોતો આવ્યો અને જાડેજાએ બહુ ઝડપથી (100 સેક્નડમાં) ઓવર પૂરી કરી કે જેથી લંચ પહેલાં વૉશિંગ્ટનને વધુ એક ઓવર કરવા મળે.
જાડેજાને આ સ્પેલમાં જે ટર્ન મળ્યા એ સિરીઝમાં સરેરાશ સૌથી વધુ હતા. તેના 40 ટકા બૉલ 4.5 કરતાં વધુ ડિગ્રીમાં ટર્ન થયા હતા. તેણે રફ ભાગનો વધુ લાભ લીધો હતો. વૉશિંગ્ટને પંતના પ્લાન મુજબ સ્ટૉક્સને જાળમાં ફસાવીને લંચ પહેલાં ઓવરના ત્રીજા બૉલમાં એલબીડબ્લ્યૂ કરીને પૅવિલિયન ભેગો કર્યો હતો. પ્રથમ દાવમાં જૅમી સ્મિથ અને હૅરી બ્રૂકે ટી ઇન્ટરવલ પહેલાં જાણી જોઈને સમય બગાડતાં હતા, પરંતુ રવિવારે લંચ પહેલાં સ્ટૉક્સ-સ્મિથે એવું કંઈ જ નહોતું કર્યું.