હૈદરાબાદ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ એ પહેલાં આંતરરાષ્ટ્રીય મૅચોમાં હરીફ ખેલાડીઓ વચ્ચે ખૂબ ગંભીર મજાક-મસ્તી અને ટૉન્ટિંગ થતા હતા. બીજી રીતે કહીએ તો સ્લેજિંગ એટલું બધુ થતું કે ક્યારેક તો અમ્પાયરે ખેલાડીઓને ચેતવણી આપવી પડતી હતી. ખાસ કરીને ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ સ્લેજિંગ કરવામાં માસ્ટર હતા. ઇંગ્લૅન્ડના અમુક ખેલાડીઓ પણ ઊણા ઉતરે એવા નહોતા. ભારત સામેની મૅચમાં પાકિસ્તાનના ખેલાડીઓ પણ ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરતા હતા.
જોકે આઇપીએલની શરૂઆત થઈ જેમાં દેશ-વિદેશના ખેલાડીઓ ભારત આવીને વિવિધ ટીમોમાં ભળીને સાથે રમવા લાગ્યા એની સકારાત્મક અસર ઇન્ટરનૅશનલ ક્રિકેટ પર પડી હતી. સ્લેજિંગનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થતું ગયું અને આઇપીએલને કારણે વિશ્ર્વભરના ખેલાડીઓમાં ભાઈચારો વધી ગયો.
અહીં આપણે એવા ભાઈચારાની જ વાત કરવાની છે. ઇંગ્લૅન્ડનો પચીસ વર્ષીય સ્પિનિંગ ઑલરાઉન્ડર વિલ જૅક્સ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમમાં છે અને પેસ બોલિંગ ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીન પણ એ જ ટીમમાં છે. ગુરુવારે બેન્ગલૂરુની ટીમે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 35 રનથી હરાવી દીધું હતું. સતત છ પરાજય બાદ બેન્ગલૂરુએ પહેલી વાર વિજય જોયો એટલે એના ખેલાડીઓ બેહદ ખુશ હતા. વિલ જૅક્સે એ મૅચમાં છ રન બનાવ્યા હતા, પણ ટ્રેવિસ હેડની સૌથી મહત્ત્વની વિકેટ લીધી હતી. કૅમેરન ગ્રીને અણનમ 37 રન બનાવ્યા હતા તેમ જ હિન્રિચ ક્લાસેનનો શાનદાર કૅચ પકડવા ઉપરાંત પૅટ કમિન્સ અને ભુવનેશ્ર્વર કુમારની વિકેટ પણ લીધી હતી.
કૅમેરન ગ્રીને પોતાનો જે આનંદ ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કર્યો હતો એમાં તેનો ‘ભાઈચારો’ સ્પષ્ટ દેખાતો હતો. ગ્રીને લખ્યું, ‘દોસ્તો, આપણે પાછા વિનર્સ લિસ્ટમાં આવી ગયા એનાથી ખૂબ આનંદ થઈ રહ્યો છે, ખરુંને?’ જવાબમાં વિલ જૅક્સે લખ્યું, ‘યસ, ગ્રીનભાઈ.’
આરસીબીએ એક્સ (ટ્વિટર) પર ‘ગ્રીનભાઈ…જૅક્સભાઈ’ના સંબોધન સાથે બન્ને ખેલાડીઓના ભાઈચારાને તેમ જ સમગ્ર ટીમ-વર્કને બિરદાવ્યા હતા.
આઇપીએલમાં બે વિદેશી ખેલાડીએ હિન્દીમાં કે ભારતની પ્રાદેશિક ભાષામાં એકમેક સાથે વાર્તાલાપ કર્યો હોય એવો આ પહેલો બનાવ નથી. હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે તાજેતરમાં થોડું તેલુગુમાં બોલ્યો હતો અને ‘પુષ્પા’ ફિલ્મને લગતો એક ફેમસ પોઝ આપીને ચાહકોને ખુશ કર્યા હતા.
બેન્ગલૂરુએ સાત વિકેટે 206 રન બનાવ્યા બાદ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 171 રન બનાવી શકી હતી. બેન્ગલૂરુના રજત પાટીદાર (50 રન, 20 બૉલ, પાંચ સિક્સર, બે ફોર)ને સૌથી અસરદાર ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.