આવો સ્કોર-બોર્ડ ક્યારેય જોયો છે? હૅટ્સ ઑફ ટુ હૅરી બ્રુક! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

આવો સ્કોર-બોર્ડ ક્યારેય જોયો છે? હૅટ્સ ઑફ ટુ હૅરી બ્રુક!

માઉન્ટ મૉન્ગેનુઇ (ન્યૂ ઝીલૅન્ડ): ઇંગ્લૅન્ડ અહીં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામે શ્રેણીની પ્રથમ વન-ડેમાં હારી તો ગયું, પરંતુ ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન હૅરી બ્રુકે (135 રન, 101 બૉલ, 11 સિક્સર, 9 ફોર) અનેક લોકોનાં દિલ જીતી લીધા હતા. બન્યું એવું કે હૅરી બ્રુકે ઇંગ્લૅન્ડની ટીમને પરાજિત થતી જોઈ એ પહેલાં રેકૉર્ડ-બુકમાં અનોખા સ્કોર-કાર્ડ સાથે પોતાનું નામ અંકિત કરાવી લીધું હતું. ઇંગ્લૅન્ડના કુલ સ્કોરમાં હૅરી બ્રુકનું યોગદાન 60.53 ટકા હતું જે ઇંગ્લૅન્ડ માટે હવે નવો વિક્રમ છે. કેપ્ટન બ્રુકે હારવા છતાં એક વર્લ્ડ રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

ધબડકા છતાં બ્રુક અટલ

હૅરી બ્રુકની કેપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડે પ્રથમ બૅટિંગ મળ્યા પછી અત્યંત ખરાબ શરૂઆત કરી હતી. બ્રુક બૅટિંગ કરવા આવ્યો ત્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે પાંચ રન હતો. થોડી વારમાં સ્કોર ચાર વિકેટે 10 રન અને ત્યાર બાદ પાંચ વિકેટે 33 રન તથા છ વિકેટે 56 રન થયો હતો. જોકે બ્રુક અડીખમ રહ્યો હતો. બ્રુકના 135 રનની મદદથી ઇંગ્લૅન્ડની ટીમ 35.2 ઓવરમાં 223 રનના સન્માનજનક સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ઇંગ્લૅન્ડ (England)ની ટીમમાં બ્રુક ઉપરાંત માત્ર જૅમી ઑવર્ટન (46 રન) સારું રમ્યો હતો. બ્રુક અને ઑવર્ટન વચ્ચે 87 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

10માંથી 9 વિકેટ પેસ બોલરે લીધી

બે બ્રિટિશ બૅટ્સમેનના ઝીરો હતા અને બ્રુક-ઓવર્ટનને બાદ કરતા બીજા તમામ બૅટ્સમેન સિંગલ ડીજિટના રન સાથે આઉટ થઈ ગયા હતા. ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) વતી ત્રણ પેસ બોલરમાંથી ઝકારી ફોક્સે સૌથી વધુ ચાર વિકેટ, જૅકબ ડફીએ ત્રણ વિકેટ અને મૅટ હેન્રીએ બે વિકેટ લીધી હતી. એક વિકેટ સ્પિનર મિચલ સેન્ટનરે મેળવી હતી.

ન્યૂ ઝીલૅન્ડની જીતમાં બે બૅટ્સમેનના યોગદાન

ન્યૂ ઝીલૅન્ડે ડેરિલ મિચલના અણનમ 78 રન અને માઈકલ બ્રેસવેલના 51 રનની મદદથી 36.4 ઓવરમાં 6/224ના સ્કોર સાથે વિજય મેળવીને સિરીઝમાં 1-0થી સરસાઇ મેળવી હતી.

હૅરી બ્રુકની રેકોર્ડ-બુક

(1) ઇંગ્લૅન્ડના 223 રનમાં હૅરી બ્રુક (Harry Brook)ના 135 રનનું પ્રમાણ 60.53 ટકા છે જે ઇંગ્લૅન્ડ માટે નવો વિક્રમ છે, કારણકે તેણે રૉબિન સ્મિથનો 32 વર્ષ જૂનો બ્રિટિશ રેકૉર્ડ તોડ્યો છે. 1993માં રૉબિન સ્મિથે બર્મિંગમમાં ઑસ્ટ્રેલિયા સામે અણનમ 167 રન કર્યા હતા અને તેના એ યોગદાનનું પ્રમાણ ઇંગ્લૅન્ડના 5/277ના સ્કોરમાં 60.28 ટકા હતું.

(2) કોઈ ટીમનો કુલ સ્કોર જયારે 10 રનથી પણ ઓછો હોય અને પાંચમા નંબરે રમવા આવેલા બૅટ્સમેને સેન્ચુરી કરી હોય એવા ટોચના ત્રણ બૅટ્સમેનમાં હૅરી બ્રુક પણ હવે સામેલ છે. જોકે આ ત્રણેયમાં બ્રુકે હાઇએસ્ટ 135 રન સાથે નવો વિશ્વવિક્રમ કર્યો છે. 2016માં પાકિસ્તાનના સરફરાઝ અહમદે ઇંગ્લૅન્ડ સામે ત્રણ વિકેટે બે રનના સ્કોર પર રમવા આવ્યા બાદ 105 રન કર્યા હતા. 2006માં યુવરાજ સિંહે સાઉથ આફ્રિકા સામે ત્રણ વિકેટે પાંચ રનના સ્કોર પર રમવા આવ્યા બાદ 103 રન કર્યા હતા. રવિવારે ઇંગ્લૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે પાંચ રન હતો ત્યારે રમવા આવ્યા બાદ હૅરી બ્રુકે 135 રન કર્યા હતા.

રેકોર્ડ બુકમાં કપિલ ત્રીજા અને રોહિત ચોથા નંબરે

હૅરી બ્રુકે જે વિક્રમ નોંધાવ્યો એ પ્રકારની વૈશ્વિક રેકોર્ડ બુકમાં વિવ રિચર્ડ્સ (1984માં ઇંગ્લૅન્ડ સામે 9/272ના કુલ સ્કોરમાં અણનમ 189 રન સાથે 69.48 ટકા) પહેલા નંબરે, ડેવિડ વૉર્નર (2022માં ઝિમ્બાબ્વે સામે 10/141ના કુલ સ્કોરમાં 94 રન સાથે 66.66 ટકા) બીજા નંબરે, કપિલ દેવ (1983માં ઝિમ્બાબ્વે સામે 8/266ના કુલ સ્કોરમાં અણનમ 175 રન સાથે 65.78 ટકા) ત્રીજા નંબરે અને રોહિત શર્મા (2014માં શ્રીલંકા સામે 5/404ના કુલ સ્કોરમાં વિક્રમી 264 રન સાથે 65.35 ટકા) ચોથા નંબરે છે.

આ પણ વાંચો…રણજી ટ્રોફીમાં બે દિવસમાં ત્રણ બોલરની હૅટ-ટ્રિકઃ છ ફૂટ ઊંચા ગુર્જપનીતની ચાર અને તેન્ડુલકરની ત્રણ વિકેટ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button