
નવી દિલ્હીઃ 2019ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામેની હાર સાથે વર્લ્ડ કપ ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી 13મી મેચમાં અફઘાનિસ્તાને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો, પરંતુ એની સામે ઇંગ્લેન્ડે નેગેટિવ રેકોર્ડ બનાવ્યા હતા.
આ સાથે ઈંગ્લેન્ડના નામે ક્રિકેટનો સૌથી શરમજનક રેકોર્ડ નોંધાયો હતો, પરંતુ એની સાથે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપના ઈતિહાસમાં અગિયારમી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા આ ટુર્નામેન્ટમાં કોઈ ટીમને આ રીતે હાર મળી નહોતી. આ વર્લ્ડ કપમાં આઇસીસી ટોપ-8 ટીમમાંથી કોઈનું પણ આવું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું નથી.
ઈંગ્લેન્ડની ટીમ વર્તમાન વર્લ્ડ કપ સીઝનમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી હતી, જેમાં બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાન સામેની હાર બાદ ઈંગ્લેન્ડ વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ એવી ટીમ બની છે જેણે ઓછામાં ઓછા એક વખત તમામ ટેસ્ટ દેશો સામે હારનો સામનો કરવો પડ્યો હોય.
હાલમાં ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા 11 દેશ સામે વર્લ્ડ કપમાં હારનાર ઈંગ્લેન્ડ પહેલો દેશ બની ગયો છે. વર્ષ 1975માં પ્રથમ વખત ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી 48 વર્ષના ઈતિહાસમાં ટીમ ચોક્કસપણે ઓછામાં ઓછા એક વખત વર્લ્ડ કપમાં તમામ ટેસ્ટ દેશો સામે હારી છે.