મહાન ફાસ્ટ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવા માટે જાણીતા રૉબિન સ્મિથનું અવસાન

ભારત સામે ચાર સદી ફટકારનાર સ્મિથ ગયા અઠવાડિયાની ટેસ્ટ વખતે પર્થના સ્ટેડિયમમાં આવ્યા હતા
પર્થઃ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન રૉબિન સ્મિથ (Robin Smith)નું ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં તેમના ઘરમાં નિધન (Dies) થયું છે. તેઓ 62 વર્ષના હતા. તેમને ઘણા વર્ષોથી પુષ્કળ દારૂ પીવાની આદત હતી અને તેમની માનસિક સ્થિતિ પણ નબળી હતી. જોકે આ તેમના મૃત્યુના કારણો નથી એવું મંગળવારે એક નિવેદનમાં જણાવાયું હતું. હજી ગયા અઠવાડિયે પર્થમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ઍશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટ વખતે તેઓ પર્થના ઑપ્ટસ સ્ટેડિયમમાં આવ્યા હતા.
આ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન એક સમયે મહાન ફાસ્ટ બોલર્સ માલ્કમ માર્શલ, કોર્ટની વૉલ્શ, કર્ટલી ઍમ્બ્રોઝ તથા પૅટ્રિક પૅટરસન માટે માથાનો દુખાવો થઈ ગયા હતા. 1980 અને 1990ના દાયકા દરમ્યાન ક્રિકેટ જગતના ટોચના બૅટ્સમેનોમાં ગણાતા રૉબિન સ્મિથ સ્ક્વેર કટ તથા અન્ય બૅટિંગ ટેક્નિક માટે જાણીતા હતા. રૉબિન સ્મિથના મોટા ભાઈ ક્રિસ સ્મિથ 1983થી 1986 દરમ્યાન ઇંગ્લૅન્ડ વતી આઠ ટેસ્ટ અને ચાર વન-ડે રમ્યા હતા.
આ પણ વાચો : વિરાટ કોહલીએ યશસ્વી જયસ્વાલની હેરસ્ટાઈલની કરી મજાક, જુઓ વાયરલ વીડિયો
આફ્રિકામાં જન્મ્યા, ઇંગ્લૅન્ડ વતી રમ્યા, ઑસ્ટ્રેલિયામાં નિધન
રૉબિન સ્મિથનો જન્મ 1963માં સાઉથ આફ્રિકામાં થયો હતો. ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા પછી તેમણે ઇંગ્લૅન્ડ વતી 1988થી 1996 દરમ્યાન 62 ટેસ્ટમાં નવ સેન્ચુરી અને 28 હાફ સેન્ચુરીની મદદથી 4,236 રન કર્યા હતા. 71 વન-ડેમાં તેમણે કુલ 2,419 રન કર્યા હતા જેમાં ચાર સેન્ચુરી અને 15 હાફ સેન્ચુરી સામેલ હતી. તેઓ ભિન્ન હેરસ્ટાઇલ બદલ ` જજ’ના નામે ઓળખાતા હતા. કરીઅર બાદ ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થયા હતા, પરંતુ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ સાથેનો સંપર્ક સતત જાળવી રાખ્યો હતો. સાઉથ આફ્રિકા તેમની જન્મભૂમિ હતી, ઇંગ્લૅન્ડ તેમનું કર્મસ્થાન હતું અને ઑસ્ટ્રેલિયામાં તેમણે છેલ્લા શ્વાસ લીધા.
સ્પિન બોલિંગ સામે નબળા, પણ વૉર્નના મિત્ર
1993ની સાલની એજબૅસ્ટનની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં ફટકારેલી અણનમ 167 રનની ઇનિંગ્સ સ્મિથની કેટલીક યાદગાર ઇનિંગ્સમાં ગણાય છે. જોકે સ્પિન બોલિંગ સામે રમવામાં તેઓ થોડા નબળા હતા અને એટલે જ તેઓ શેન વૉર્ન સામે પાંચ ટેસ્ટમાં ચાર વખત અને અનિલ કુંબલે સામે ચાર ટેસ્ટમાં ચાર વખત આઉટ થયા હતા. યોગાનુયોગ, શેન વૉર્ન અને રૉબિન સ્મિથ વચ્ચે વર્ષો સુધી ગાઢ મૈત્રી હતી. શેન વૉર્નનું માર્ચ, 2022માં થાઇલૅન્ડમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાચો : આઇપીએલના ઑક્શનમાં માત્ર 77 ખાલી જગ્યા માટે કેટલા ખેલાડીઓની અરજી આવી છે, જાણો છો?
ભારત સામે ફટકારી કુલ ચાર સદી
સ્મિથે ભારત સામે છ ટેસ્ટમાં બે સદીની મદદથી 507 રન કર્યા હતા. ટેસ્ટમાં તેમના સૌથી વધુ રન ઑસ્ટ્રેલિયા સામે (1,074 રન) હતા. વેસ્ટ ઇન્ડિઝ સામે તેમના 1,333 રન હતા. વન-ડેમાં તેમની સૌથી વધુ બે સેન્ચુરી ભારત વિરુદ્ધ હતી. તેમણે ભારત સામે 10 વન-ડેમાં 505 રન કર્યા હતા. વન-ડે ફૉર્મેટમાં તેમના સૌથી વધુ 540 રન ન્યૂ ઝીલૅન્ડ સામે હતા.
પ્રથમ ટેસ્ટના ખેલાડીઓમાં કોણ કોણ હતું
રૉબિન સ્મિથ 1988માં જે પ્રથમ ટેસ્ટ રમ્યા હતા એમાં ઇંગ્લૅન્ડના અન્ય ખેલાડીઓમાં ડેવિડ ગૉવર, ગ્રેહામ ગૂચ, બિલ ઍથે, ઍલન લૅમ્બ, ક્રિસ કાઉડ્રી, ડેરેક પ્રિન્ગલ, નીલ ફૉસ્ટર અને ગે્રહામ ડિલીનો સમાવેશ હતો. સ્મિથની પ્રથમ ટેસ્ટ વખતે હરીફ વેસ્ટ ઇન્ડિઝના સુકાની વિવ રિચર્ડસ હતા અનેે તેમની ટીમમાં માર્શલ, ઍમ્બ્રોઝ, વૉલ્શ, બેન્જામિન ઉપરાંત હેઇન્સ, દુજોં, હૂપર, લૉગી, હાર્પર વગેરે ખ્યાતનામ પ્લેયર્સ સામેલ હતા.



