ઇંગ્લૅન્ડની પ્લેઇંગ-ઇલેવન જાહેર કરાઈ, ખતરનાક ફાસ્ટ બોલર ટીમમાં સામેલ
રાંચી: બેન સ્ટૉક્સની કૅપ્ટન્સીમાં અને બ્રેન્ડન મૅક્લમના કોચિંગમાં પાંચ ટેસ્ટ રમવા ભારત આવેલી ઇંગ્લૅન્ડની ટીમ શ્રેણીની શરૂઆતમાં તો હૈદરાબાદની પહેલી ટેસ્ટ જીતી ગઈ, પણ પછી બાઝબૉલ (આક્રમક સ્ટાઇલથી રમવાનો અપ્રોચ)થી રમવાના આગ્રહને લીધે તેઓ ઉપરાઉપરી બે મૅચ હારી બેઠા છે અને ભારત 2-1થી આગળ થઈ ગયું છે. ખુદ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓએ જો રૂટ સહિતના કેટલાક ખાસ બૅટર્સને બાઝબૉલનો મોહ છોડીને નૅચરલ ગેમ રમવા પર જ ધ્યાન આપવાની સલાહ આપી છે.
હવે શુક્રવારે (23મી ફેબ્રુઆરીએ) રાંચીમાં શરૂ થનારી ચોથી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)માં હારથી બચવા ઇંગ્લિશમેન મરણિયા થઈ ગયા છે અને તેમણે જૂના ને જાણીતા ફાસ્ટ બોલર ઑલી રોબિન્સનને સાત મહિને પ્લેઇંગ-ઇલેવનમાં પાછો સમાવ્યો છે. એટલું જ નહીં, વિશાખાપટ્ટનમની બીજી ટેસ્ટમાં કુલ ચાર વિકેટ લેનાર યુવાન ઑફ-સ્પિનર શોએબ બશીરને પણ ટીમમાં સામેલ કર્યો છે. તે ફિંગર સ્પિનર છે અને તેને રિસ્ટ સ્પિનર રેહાન અહમદના સ્થાને લેવામાં આવ્યો છે અને તે ઇલેવનમાં ટૉમ હાર્ટલી તથા જો રૂટ સાથે મળીને સ્પિન-આક્રમણની જવાબદારી સંભાળશે. રૉબિન્સનને માર્ક વૂડને બદલે રમવાનો મોકો અપાયો છે.
રૉબિન્સન ભારતમાં પહેલી જ વાર ટેસ્ટ રમશે. તેને ગયા વર્ષે જુલાઈમાં ઍશિઝ સિરીઝ વખતે પીઠમાં ઈજા થઈ હતી જેને લીધે નહોતો રમી શક્યો. 30 વર્ષના રૉબિન્સને 19 ટેસ્ટમાં 22.21ની સરેરાશે કુલ 76 વિકેટ લીધી છે. તે પેસ બોલિંગમાં પીઢ બોલર જેમ્સ ઍન્ડરસન સાથે મળીને ભારતીય બૅટર્સને પેસ પાવરનું પ્રદર્શન કરશે.
રૉબિન્સને 76માંથી 21 વિકેટ ભારત સામે ફક્ત ચાર ટેસ્ટમાં લીધી છે. એ ચારેય ટેસ્ટ ઇંગ્લૅન્ડમાં રમાઈ હતી.
ભારતે જસપ્રીત બુમરાહને આરામ આપ્યો છે અને કેએલ રાહુલ હજી પણ નહીં રમી શકે એટલે રજત પાટીદારને ફ્લૉપ ડેબ્યૂ બાદ હવે સારું રમવાનો કદાચ વધુ મોકો મળશે.
ઇંગ્લૅન્ડની પ્લેઇંગ-ઇલેવન: બેન સ્ટૉક્સ (કૅપ્ટન), બેન ફૉક્સ (વિકેટકીપર), ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ, ઑલી પૉપ, જો રૂટ, જૉની બેરસ્ટૉ, ટૉમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ ઍન્ડરસન અને ઑલી રૉબિન્સન.