ભારતના 445 સામે ઇંગ્લૅન્ડના બે વિકેટે 207
અશ્વિનની 500મી ઐતિહાસિક વિકેટ પછી બેન ડકેટની આક્રમક સેન્ચુરી
રાજકોટ: ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતના 445 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે બે વિકેટે 207 રન બનાવ્યા હતા. રવિચન્દ્રન અશ્વિન 500મી ટેસ્ટ-વિકેટ બદલ રમતના ફર્સ્ટ-હાફમાં છવાઈ ગયો હતો તો સેક્ધડ-હાફમાં બ્રિટિશ ઓપનર બેન ડકેટ (133 નૉટઆઉટ, 118 બૉલ, બે સિક્સર, એકવીસ ફોર) મેદાન મારી ગયો હતો. 35 ઓવરની રમતમાં તે એકલો ભારતીય બોલરોને ભારે પડી ગયો હતો. બીજા ઓપનર ઝૅક ક્રૉવ્લી સાથે તેની 89 રનની ભાગીદારી થઈ હતી, પણ ક્રૉવ્લી વ્યક્તિગત 15 રન બનાવીને અશ્ર્વિનનો 500મો શિકાર બની ગયો હતો.
વનડાઉન બૅટર ઑલી પૉપની પણ ડકેટ સાથે બીજી વિકેટ માટે 93 રનની પાર્ટનરશિપ થઈ હતી, પરંતુ પૉપ માત્ર 39 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ઇંગ્લૅન્ડની 30મી ઓવરમાં મોહમ્મદ સિરાજે પૉપને એલબીડબ્લ્યૂ કરીને ડકેટ સાથેની ભાગીદારી તોડી હતી. રમતને અંતે ડકેટ સાથે જો રૂટ નવ રને રમી રહ્યો હતો.
ડકેટે 88 બૉલમાં ત્રીજી ટેસ્ટ સદી પૂરી કરી હતી. એક સમયે એવું લાગતું હતું કે ડકેટ ઇંગ્લૅન્ડના બૅટર્સમાં નોંધાયેલી ફાસ્ટેસ્ટ (સૌથી ઓછા બૉલમાં) સેન્ચુરી બાબતમાં 1902ની સાલનો (122 વર્ષ જૂનો) વિક્રમ તોડશે, પણ એવું બન્યું નહોતું. 1902માં ઇંગ્લૅન્ડના ગિલ્બર્ટ જેસપે 77 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા અને બ્રિટિશરોમાં એ રેકૉર્ડ અકબંધ રહ્યો છે.
અશ્વિને 37 રનમાં એક અને સિરાજે 54 રનમાં એક વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ 34 રનમાં, કુલદીપ યાદવ 42 રનમાં અને રવીન્દ્ર જાડેજા 33 રનમાં વિકેટ નહોતી લઈ શકી.
એ પહેલાં, ભારતે 445 રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માના 131 રન, જાડેજાના 112 રન, સરફરાઝ ખાનના 62 રન, વિકેટકીપર ધ્રુવ જુરેલના 46 રન, અશ્ર્વિનના 37 રન અને બુમરાહના 26 રન સામેલ હતા. માર્ક વૂડે સૌથી વધુ ચાર વિકેટ તેમ જ રેહાન અહમદે બે તેમ જ ઍન્ડરસન, રૂટ અને હાર્ટલીએ એક-એક વિકેટ લીધી હતી.
ભારતીય ટીમ બીજા દિવસે ઇંગ્લૅન્ડ કરતાં 238 રન આગળ હતી.
શનિવારના ત્રીજા દિવસે ઇંગ્લૅન્ડનો દાવ 300થી 350 રન આસપાસ સમેટીને ભારતીય ટીમ લગભગ 100-150ની સરસાઈ મેળવીને બીજા દાવમાં 300 જેટલા રન બનાવીને બ્રિટિશ ટીમને 400-પ્લસનો મુશ્કેલ ટાર્ગેટ આપી શકે. જોકે રનનો ઢગલો કરી આપતી રાજકોટની પિચ પર આ ટેસ્ટ ડ્રૉમાં પણ જઈ શકે. 2016માં ઇંગ્લૅન્ડ સામેની જ ભારતની ટેસ્ટ ડ્રૉમાં પરિણમી હતી.