મહિલાઓની મૅચમાં ભારતને છેલ્લા બૉલમાં સિક્સરની જરૂર હતી અને હરમનપ્રીત કૌર…

ઓવલ (લંડન): ભારતની મહિલા ટીમ અહીં ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટી-20માં છેલ્લા બૉલમાં હારી જતાં 3-0થી સરસાઈ લઈને ટ્રોફી પર કબજો કરવામાં નિષ્ફળ ગઈ હતી અને શ્રેણીને 1-2ના રેશિયોમાં જાળવી રાખીને બ્રિટિશ ટીમ શ્રેણીને જીવંત રાખવામાં સફળ થઈ હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (23 રન, 17 બૉલ, બે ફોર)ને મૅચના અંતિમ બૉલ પર સિક્સર ફટકારીને ભારત (India)ને વિજય અપાવવાનો મોકો હતો, પણ તે પેસ બોલર લૉરેન બેલના બૉલમાં કૅચઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમ 172 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 166 રન કરી શકી હતી અને પાંચ રનથી હારી ગઈ હતી.
ઇંગ્લૅન્ડ (England)ની મુખ્ય કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ ઈજાને કારણે આ મૅચમાં નહોતી રમી અને ટૅમી બ્યૂમૉન્ટે સુકાન સંભાળ્યું હતું. ટૅમી ટૉસ જીતી હતી અને બૅટિંગ પસંદ કરી હતી. તેના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટીમે જબરદસ્ત શરૂઆત કરી હતી. ઓપનર સૉફી ડન્ક્લી (75 રન, 53 બૉલ, એક સિક્સર, સાત ફોર) અને સાથી ઓપનર ડૅની વ્યૉટ-હૉજ (66 રન, 42 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે 137 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. જોકે સ્પિનર દીપ્તિ શર્માએ સૉફીને આઉટ કરીને તેમની પાર્ટનરશિપ તોડી હતી અને પછી પેસ બોલર અરુંધતી રેડ્ડીએ ડૅની સહિત બે બૅટરની ઉપરાઉપરી બે વિકેટ લીધી હતી. ત્યાર બાદ કોઈ મોટી ભાગીદારી નહોતી થઈ અને દીપ્તિ તથા અરુંધતીની ત્રણ-ત્રણ વિકેટ અને સ્પિનર શ્રી ચરનીની બે વિકેટને કારણે ઇંગ્લૅન્ડનો દાવ 9/171 સુધી સીમિત રહ્યો હતો.
172 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મળતાં ભારતે પણ સારી શરૂઆત કરી હતી. ઓપનર સ્મૃતિ મંધાના (56 રન, 49 બૉલ, દસ ફોર) અને શેફાલી વર્મા (47 રન, પચીસ બૉલ, બે સિક્સર, સાત ફોર) વચ્ચે 85 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે શેફાલીની વિકેટ કુલ 85મા રને અને જેમાઇમા રૉડ્રિગ્સ (20 રન, 15 બૉલ, ત્રણ ફોર)ની વિકેટ 123મા રન પર પડી હતી અને પછી કોઈ મોટી ભાગીદારી ન થતાં મામલો 20મી ઓવરના અંતિમ બૉલ સુધી ગયો હતો.
કૅપ્ટન ટૅમીએ 20મી નિર્ણાયક ઓવરની જવાબદારી ભારતની વિમેન્સ પ્રીમિયર લીગમાં યુપી વૉરિયર્ઝ વતી રમી ચૂકેલી પેસ બોલર લૉરેન બેલને સોંપી હતી.
ઓવરની શરૂઆતમાં ભારતે જીતવા 12 રન કરવાના બાકી હતા. કુલ સ્કોર 4/160 હતો. હરમનપ્રીત (Harmanpreet Kaur) અને અમનજોત કૌરે ભેગા થઈને છ રન બનાવ્યા હતા અને આખરી બૉલમાં હરમનપ્રીત સ્ટ્રાઇક પર હતી ત્યારે જીતવા છ રન કરવાના હતા. સુપર ઓવરની સંભાવના જ નહોતી, કારણકે હરમનપ્રીતે ફોર ફટકારી હોત તો પણ ભારતનો એક રનથી પરાજય થયો હોત. જોકે એ અંતિમ બૉલમાં હરમનપ્રીત મિડ-ઑફ પર એકલ્સ્ટનના હાથમાં કૅચઆઉટ થઈ ગઈ હતી અને ભારતનો પાંચ રનથી પરાજય થયો હતો. લૉરેન બેલે બે કૅચ છોડ્યા હતા, પરંતુ 20મી ઓવરમાં તેણે 12 રન ડિફેન્ડ કરીને ઇંગ્લૅન્ડને વિજય અપાવ્યો હતો. ફાસ્ટ બોલર લૉરેન ફિલરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
ભારતીય મહિલા ટીમને પણ પુરુષોની ટીમ ઇન્ડિયાની જેમ ધબડકો નડ્યો હતો. 123 રન પર માત્ર એક વિકેટ પડી હતી, પણ પછીની સાત ઓવરમાં 43 રનમાં ભારતની ચાર વિકેટ પડી ગઈ હતી. ઇંગ્લૅન્ડને પણ ધબડકો નડ્યો હતો, કારણકે 137 રન પર તેમની એકેય વિકેટ નહોતી પડી અને 171મા રન સુધીમાં તેમણે નવ વિકેટ ગુમાવી હતી. બ્રિટિશ ટીમની ફીલ્ડિંગ પણ સારી નહોતી એમ છતાં તેમણે વિજય મેળવ્યો. ઓપનર સૉફી ડન્ક્લી (75 રન)ને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ભારત પાંચ મૅચની શ્રેણીમાં 2-1થી આગળ છે. હવે ચોથી ટી-20 મૅચ છેક બુધવારે (નવમી જુલાઈએ) મૅન્ચેસ્ટરમાં રમાશે.