ENG VS WI: વન-ડે સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝે કરી ટીમની જાહેરાત
જમૈકાઃ વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં 15 ખેલાડીઓને તક મળી છે. શાઈ હોપને કેપ્ટનશિપની જવાબદારી મળી છે. અલ્ઝારી જોસેફને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થઈ શકી નહોતી. હવે ટીમની નજર વન-ડે વર્લ્ડ કપ 2027 માટે ક્વોલિફાય થવા પર રહેશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમના મુખ્ય પસંદગીકાર ડેસમંડ હેન્સે કહ્યું હતું કે અમે ઈંગ્લેન્ડને આવકારવા આતુર છીએ.
બંને ટીમો વચ્ચે પહેલી મેચ 3 ડિસેમ્બરે એન્ટિગુઆમાં શરૂ થશે. અમે આશા રાખીએ છીએ કે આ એક રોમાંચક શ્રેણી હશે, પરંતુ અમને વિશ્વાસ છે કે અમારી ટીમ ઘરની પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરશે. અમારું મુખ્ય ધ્યાન આઇસીસી વર્લ્ડ કપ 2027 પર છે.
વેસ્ટ ઈન્ડિઝ આગામી દિવસોમાં એન્ટિગુઆમાં શિબિર સાથે ઈંગ્લેન્ડ શ્રેણીની તૈયારી કરશે અને નવા કોચ ડેરેન સેમીને આશા છે કે તેના સાથી ખેલાડીઓ સાથે વિતાવેલો સમય તેની ટીમને ખૂબ મદદ કરશે. સેમીએ કહ્યું કે ઘરઆંગણે ઈંગ્લેન્ડનો મુકાબલો કરવા માટે શું તૈયારી કરવાની જરૂર છે તે દરેક વ્યક્તિ સંપૂર્ણપણે વાકેફ છે. હું માનું છું કે જ્યારે તમે સારી તૈયારી કરો છો, ત્યારે તમારી પાસે જીતવાની શ્રેષ્ઠ તક હોય છે.
સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને બેટ્સમેન નિકોલસ પૂરન ટેસ્ટ અને આવતા વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કારણે આ ખેલાડીઓને ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં તક મળી નથી. જ્યારે બે નવા ચહેરા ઓલરાઉન્ડર શેરફેન રધરફોર્ડ અને મેથ્યુ ફોર્ડને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ
શાઈ હોપ (કેપ્ટન), અલ્ઝારી જોસેફ (વાઈસ-કેપ્ટન), એલિક અથાનાઝે, યાનિક કારિયા, કીસી કાર્ટી, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ, મેથ્યુ ફોર્ડે, શિમરોન હેટમાયર, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોતી, કજોર્ન ઓટલે, શેરફેન રૂધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, ઓશાને થોમસ.