સાઉથ આફ્રિકાએ રબાડા, ક્લાસેન વગર યજમાન ઇંગ્લૅન્ડને આસાનીથી હરાવી દીધું...
સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાએ રબાડા, ક્લાસેન વગર યજમાન ઇંગ્લૅન્ડને આસાનીથી હરાવી દીધું…

લીડ્સઃ ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa)એ અહીં મંગળવારે વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં યજમાન ઇંગ્લૅન્ડ (England)ને બૅટિંગ માટે આમંત્રણ આપ્યા બાદ એને માત્ર 131 રનના સ્કોર પર આઉટ કર્યા પછી માત્ર ત્રણ વિકેટના ભોગે 20.5 ઓવરમાં 137 રન કરીને સહેલાઈથી વિજય મેળવી લીધો હતો.

સાઉથ આફ્રિકાનો મુખ્ય ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ઈજાને કારણે આ મૅચમાં નહોતો રમ્યો અને હિન્રિક ક્લાસેન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. સિરીઝમાં ટેમ્બા બવુમાના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાની ટીમ 1-0થી આગળ છે અને બીજી મૅચ ગુરુવારે લૉર્ડ્સમાં તથા અંતિમ મૅચ રવિવારે સાઉધમ્પ્ટનમાં રમાશે.

https://twitter.com/ProteasMenCSA/status/1962551448543134140

ઇંગ્લૅન્ડના મોટા ભાગના ખેલાડીઓ રવિવારે પૂરી થયેલી પોતાના દેશની 100-100 બૉલવાળી ` ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટ રમીને થાકેલી હાલતમાં આ સિરીઝમાં રમવા આવ્યા હતા. મંગળવારે પિચ સૂકી હતી લીડ્સ (Leeds)માં ચેઝ કરતી ટીમોને જીતવામાં વધુ સફળતા મળી છે એવું જાણીને સુકાની બવુમાએ પ્રથમ ફીલ્ડિંગ પસંદ કરી હતી.

ઇંગ્લૅન્ડની ટીમમાં એકમાત્ર ઓપનર જૅમી સ્મિથ (54 રન, 48 બૉલ, 10 ફોર)ની હાફ સેન્ચુરી હતી. બીજા કોઈ બ્રિટિશ બૅટરના 15 રનથી વધુ રન નહોતા. કૅગિસો રબાડાની ગેરહાજરીમાં નાન્દ્રે બર્ગર અને લુન્ગી ઍન્ગિડીએ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી હતી.

જોકે તેમને એક-એક વિકેટ મળી હતી, પરંતુ ત્રીજા પેસ બોલર વિઆન મુલ્ડેરે 33 રનમાં ત્રણ તેમ જ સ્પિનર કેશવ મહારાજે (Keshav Maharaj) બાવીસ રનમાં ચાર વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાએ 132 રનના નાના લક્ષ્યાંક મેળવવા બહુ સારી શરૂઆત કરી હતી. પહેલી 18.1 ઓવરમાં બે ઓપનર એઇડન માર્કરમ (86 રન, પંચાવન બૉલ, બે સિક્સર, 13 ફોર) અને વિકેટકીપર રાયન રિકલ્ટન (અણનમ 31 રન, 59 બૉલ, ચાર ફોર)ની જોડીએ 121 રનની ભાગીદારીથી ટીમને વિજયની નજીક લાવી દીધી હતી.

10 રનમાં સાઉથ આફ્રિકાએ સ્પિનર આદિલ રાશીદની બોલિંગમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, પણ છેવટે રિકલ્ટન અને ડેવાલ્ડ બે્રવિસ (છ અણનમ)ની જોડીએ ટીમને 21મી ઓવરમાં જીત અપાવી દીધી હતી.

ચાર વિકેટ લઈને ઇંગ્લૅન્ડને મોટા સ્કોરથી વંચિત રાખનાર કેશવ મહારાજને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

આ પણ વાંચો…યુએઇમાં અસહ્ય ગરમી, એશિયા કપની મૅચો હવે…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button